આર્કટિક પ્રદેશ ભારત કરતા લગભગ 4.5 ગણો મોટો છે. એક સર્વે અનુસાર 2030 થી લઇને 2050 સુધીમાં આ પ્રદેશનો સઘળો બરફ પીગળી જશે. જેનું નુકસાન એ છે કે હાલમાં ત્યાં જેટલો બરફ છે તે 80% સૂર્યના કિરણોને પરાવર્તિત કરે છે. પરિણામે તાપમાન વધતું નથી પરંતુ એજ બરફ જ્યારે પાણીમાં રૂપાંતરિત થઇ જાય ત્યારે તે 90% સૂર્યના કિરણોને કેદ કરી લે છે અને ગ્લોબલ વોર્મિંગને વધારે છે. વધુ સમજૂતી માટે નીચે આપેલ પોષ્ટની લિંક ઉપર નજર દોડાવો.
https://www.facebook.com/permalink.php?story_fbid=8832502503538782&id=100003373615705
એક જીયોફિઝિકલ રિસર્ચ લેટર જુઓ(જેની લિંક નીચે મૌજૂદ છે). જેમાં જણાવવામાં આવ્યું છે કે, આર્કટિકનો બરફ જો પાણીમાં રૂપાંતરિત થઇ જાય તો, જે co2 ઉત્પન્ન થશે તેની માત્રા એક ટ્રિલિયન ટન જેટલી હશે. આનો અંદાજો એ રીતે લગાવો કે અત્યારસુધી અમેરિકાએ જેટલો co2 વાતાવરણમાં ઠાલવેલ છે, આ જથ્થો તેની કરતા બમણો છે. જરા વિચારો! પૃથ્વીનું તાપમાન કેટલું વધી જશે?
https://agupubs.onlinelibrary.wiley.com/doi/10.1029/2024GL114546?af=R
ઉપરોક્ત પોષ્ટ અનુસાર આર્કટિક ક્ષેત્ર હવે બરફરહિત બનતો જાય છે. ડેટા મુજબ એંસીના દાયકામાં આર્કટિકનો બરફ આચ્છાદિત વિસ્તાર લગભગ 7.5 મિલિયન સ્કવેર કિલોમીટર હતો જે 2021 સુધીમાં ઘટીને કેવળ 3.74 મિલિયન સ્કવેર કિલોમીટર રહી જવા પામ્યો છે. અર્થાત અડધાથી વધુ બરફ તો 2021 સુધીમાં જ પીગળી ચૂક્યો છે(જુઓ નીચેની ઇમેજ).
-
હવે વૈજ્ઞાનિકો આર્કટિકના આ બરફને પાછો લાવવા માંગે છે. આ કાર્યને કરવા Real Ice નામક એક કંપનીએ કમર કસી છે. કંપનીનું કહેવું છે કે આપણે આ બરફને પાછો લાવી શકીએ છીએ. આ માટે તેમણે કેટલાક સિમ્પલ આઇડિઆ સૂચવ્યા છે. અલબત્ત તેમને અમલમાં મુકવાનું શરૂ પણ કરી દીધું છે જેના પરિણામો ઘણાં સારા પ્રાપ્ત થયા છે. તો ચાલો આ આઇડિઆને જોઇ લઇએ.
-
ઠંડા પ્રદેશોમાં જ્યારે સ્કેટિંગ અથવા કાર-રેસિંગ થાય ત્યારે બરફનું સ્તર(જાડાઇ) પાતળું થઇ જાય છે. તેથી બરફના સ્તરને વધારવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. બસ આજ ફોર્મ્યુલાનો ઉપયોગ ત્યાં ડો. Hayo Hendrikse કરી રહ્યાં છે, જેમણે Delft University of Technology માંથી પીએચડી કર્યું છે. તેમનું માનવું છે કે, બરફની સપાટી નીચે મૌજૂદ સમુદ્રના ખારા પાણીને ડ્રીલ કરી પંપ વડે ખેંચી જો ત્યાંની સપાટી ઉપર સ્પ્રે કરવામાં આવે, તો તે સઘળું પાણી થીજીને બરફમાં રૂપાંતરિત થઇ જશે.
-
આ માટે તેમણે બે ફૂટબોલના ગ્રાઉન્ડ જેટલો એરિયા પસંદ કર્યો જેના બરફના સ્તરની જાડાઇ 36 ઇંચ હતી. તેઓ આ જાડાઇને 50 ઇંચ સુધી લઇ જવા માંગતા હતાં. આ માટે તેમણે ઘણાં ડ્રીલ કર્યા, સેમ્પલ એકઠા કર્યા અને ખુબ રિસર્ચ કર્યું. અંતે પાણી ખેંચવા પંપ લગાડવામાં આવ્યા. પંપની ઝડપ 900 ગેલન પ્રતિ મિનિટ હતી. રિઝલ્ટ ખુબ સારા મળ્યા અને બરફની જાડાઇ 50 ઇંચની લગોલગ પહોંચી ગઇ પરંતુ અહીં એક તકલીફ છે અને તે એ કે, પંપ ડીઝલ એન્જિન ઉપર ચાલે છે. એકતરફ આપણે ગ્લોબલ વોર્મિંગને નાબૂદ કરવા આટલા મોટા પ્રોજેક્ટ વિશે વિચારીએ છીએ અને બીજી તરફ ડીઝલ એન્જિનો વડે ગ્લોબલ વોર્મિંગને નોતરું આપીએ છીએ. તેથી renewable energy ઉપર હવે રિસર્ચ થઇ રહી છે.
-
હવે બીજા આઇડિઆ ઉપર નજર કરીએ જેને arctic ice project કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બરફ ઉપર નાના-નાના hollow glass microsphere(કાચના પોલાં ગોળા) ફેંકવામાં આવે છે. આ સૂક્ષ્મ ગોળા સૂર્યપ્રકાશને પરાવર્તિત કરશે. જેથી બરફ પીગળવાની ગતિ 30% જેટલી ઘટી જશે. હવે સવાલ એ ઉદભવે છે કે, આટલી થોકબંધ માત્રામાં આવા ગોળા કઇરીતે બનશે? જવાબ સિમ્પલ છે....સિલિકા વડે. યાદરહે, 90% સિલિકા આપણને પૃથ્વી ઉપર ખડકો દ્વારા મળી રહે છે.
-
ત્રીજો એક આઇડિઆ અંડર વોટર ડ્રોનનો છે જે સપાટીની નીચે ચાલતું રહે અને પાણીને ફુવારા રૂપે બહાર કાઢે(જુઓ નીચેની ઇમેજ). આની ઉપર પણ ઘણું રિસર્ચ થઇ રહ્યું છે. સમગ્ર પ્રોજેક્ટ ઉપર લગભગ 500 બિલિયન ડોલરનું રોકાણ છે. ભલે આ સાંભળવામાં તો મોટી રકમ લાગે પરંતુ ગ્લોબલ વોર્મિંગ વડે નુકસાનીનો અંદાજો આશરે 130 ટ્રિલિયન ડોલરનો છે. તો આવા આઇડિયાઓ થકી ગ્લોબલ વોર્મિંગ નામના જીનને આપણે બોટલમાં પુરવાના પ્રયાસો કરી રહ્યાં છીએ. અગાઉ પણ ગ્લોબલ વોર્મિંગ ઉપર લગામ કસવા માટે આપણે ઘણી પોષ્ટ જોઇ ચૂક્યાં છીએ.



No comments:
Post a Comment