શું તમે જાણો છો કે આપણા બ્રહ્માંડમાં કેટલાક ગ્રહો તો પૃથ્વીના અમુક દેશ કરતા પણ નાના છે જ્યારે કેટલાક ગ્રહો એટલા વિશાળ છે કે, જો તેઓ હજી થોડા જ મોટા હોત તો તારાઓમાં રૂપાંતરિત થઇ જાત? કેટલાક ગ્રહો પાણીથી એટલા તરબતર છે કે ત્યાં શુષ્કતા નામની કોઇ ચીજ નથી જ્યારે કેટલાક ગેસ વડે બનેલ ગ્રહો એટલા ખુબસુરત અને મોટા છે કે, આપણા સૂર્યમંડળનો ગ્રહ ગુરુ પણ એમની સામે નાનો લાગે છે. તો ચાલો આવા વિચિત્ર ગ્રહોની મુલાકાતે જઇએ....
-
સૌપ્રથમ નાના ગ્રહો તરફ જઇએ....જો આપણા સૂર્યમંડળની વાત કરીએ તો, પૃથ્વી કરતા બે નાના ગ્રહો મૌજૂદ છે તે છે...મંગળ અને બુધ. બુધનું દળ પૃથ્વીની તુલનાએ ફક્ત 5% જ છે જ્યારે મંગળનું 10%. હવે આપણા સૂર્યમંડળની બહાર જઇએ. ત્યાં આપણને Kepler-37B દેખાશે. તેનું કદ એશિયા ખંડ કરતા પણ નાનું છે. આ ગ્રહ અત્યારસુધી શોધાયેલ સૌથી નાનો exoplanet(બાહ્ય ગ્રહ) છે. exoplanet આપણા સૂર્યમંડળ સિવાયના એટલેકે અન્ય સૂર્યમંડળના ગ્રહને કહે છે.
-
હવે દિલચશ્પ વાત આવે છે માટે થોડું ધ્યાનથી વાંચો. આપણે હજીસુધી લગભગ 5000 જેટલા exoplanets(બાહ્ય ગ્રહો) શોધી ચૂક્યાં છીએ જ્યારે બ્રહ્માંડમાં આવા અબજો ગ્રહો મૌજૂદ છે. તો સવાલ એ ઉદભવે છે કે, ફિઝિક્સના સિદ્ધાંતો અનુસાર સૌથી નાનામાં નાનો શક્ય ગ્રહ કેટલો નાનો હોઇ શકે?
-
વેલ, એક એવો ગ્રહ જે પોતાના તારા ફરતે ચક્કર મારતો હોય, તેનું hydrostatic equilibrium પણ જળવાયેલ હોય અર્થાત તેનો આકાર ગોળ હોય વગેરે...આ સઘળી શરતોનું પાલન કર્યા પછી ફિઝિક્સ જે શક્ય એવા સૌથી નાના ગ્રહની પરવાનગી આપે છે તેની ત્રિજ્યા પૃથ્વી કરતા કેવળ 5% હશે(હશે એટલા માટે કેમકે આ એક hypothetical મતલબ અનુમાનિત ગ્રહ છે). એક 70 કિ.ગ્રા વજન ધરાવતી વ્યક્તિનું વજન આ ગ્રહ ઉપર 2 કિ.ગ્રા કરતા પણ ઓછું હશે એટલેકે આ ગ્રહ ઉપર ઉભેલ વ્યક્તિ લગભગ 50 મીટર જેટલો ઊંચો કૂદકો લગાવી શકે છે. તેનો total surface area ફ્રાંસ અને સ્પેન જેટલો હશે.
-
હવે, વિશાળકાય ગ્રહો તરફ જઇએ....LHS 1140 b પૃથ્વી કરતા સાત ગણો ભારે ખડકાળ(rocky) ગ્રહ છે. TOI-849 b પૃથ્વી કરતા ચાલીસ ગણો ભારે છે. આ ગ્રહ નેપ્ચ્યુન જેટલો મોટો પરંતુ વજનમાં નેપ્ચ્યુન કરતા બમણો ભારે છે. K2-18 b એક ice giant ગ્રહ છે. આ ગ્રહ પૃથ્વી કરતા ત્રણ ગણો પહોળો છે પરંતુ ગ્રેવિટિ લગભગ પૃથ્વી જેટલી જ છે. હાલમાં જ જેમ્સ વેબ ટેલિસ્કોપે તેનું અધ્યયન કર્યું. તેના વાતાવરણમાં મિથેન અને co2 ની ખુબ વધુ માત્રા મળી આવી જે દર્શાવે છે કે, તેની ઉપર મોટા-મોટા સમુદ્રો મૌજૂદ હોય શકે છે. આ ગ્રહ ઉપર જમીન નહીં પરંતુ ચારેતરફ ફક્ત પાણી અને પાણી જ દેખાશે.
-
ચાલો હવે ગુરુ અને શનિ જેવા gas giant ગ્રહોની વાત કરીએ. આપણા સૂર્યમંડળના બધા ગ્રહોને એક કરી નાંખીએ તો પણ ગુરુ તેમના કરતા વજનદાર છે. ROXs 42 Bb ગુરુ કરતા અઢી ગણો પહોળો અને નવ ગણો વજનદાર છે. કોઇપણ ગ્રહના વજનની એક સીમારેખા હોય છે ત્યારબાદ જે તે ગ્રહ મોટો થવાને બદલે નાનો થવા લાગે છે કેમકે ગ્રેવિટિ તેને સંકોચવાનું શરૂ કરી દે છે. સામાન્યપણે આ સીમારેખા ગુરુના વજનની બમણી હોય છે. તો પછી આને આપણે ગ્રહ તરીકે શા માટે ગણીએ છીએ? કેમકે તે brown dwarf ગ્રહની વજન મર્યાદાની નીચે છે કે જે ગુરુના વજનના તેર ગણી હોય છે.
-
COROT-3b ગુરુ જેટલો જ પહોળો છે, પણ...પણ...તેનું વજન ગુરુ કરતા 22 ગણું વધુ છે. જરા વિચારો, આ ગ્રહ કેટલો dense હશે! આટલો dense હોવા છતાં તે ગેસ વડે બનેલ છે અર્થાત ત્યાં કોઇ જમીન મૌજૂદ નથી. આવું કેમ? આનું કારણ તેનું આત્યંતિક દબાણ છે. હકિકતે બને છે એવું કે, હાઇડ્રોજન જેવા ગેસ જ્યારે અત્યંત દબાણ હેઠળ હોય છે ત્યારે તેના ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન છોડી દે છે અને metallic hydrogen માં રૂપાંતરિત થઇ જાય છે. અહીં સવાલ એ ઉદભવે છે કે, શું આ એક ગ્રહ છે કે પછી brown dwarf છે? આનો જવાબ વૈજ્ઞાનિકો પાસે પણ નથી.
-
સઘળી માહિતીના સોર્સની લિંક નીચે આપી છે.
https://docs.google.com/document/u/0/d/1YetDcFEJ-6th1wAyOhCryTfMfJeTpuertb3kPa03Ux8/mobilebasic

No comments:
Post a Comment