મનુષ્યના મગજ અને આંતરડા વચ્ચે એક ખુફીયા જોડાણ મૌજૂદ હોય છે જેને વૈજ્ઞાનિકો કેટલાય દાયકાઓથી સમજવાની અને મેપ કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. જ્યારે આપણે શુગર અથવા તેલયુક્ત ખોરાક ખાઇએ છીએ ત્યારે પાચનતંત્ર મગજના કેટલાક ભાગોને તુરંત જ સંદેશાઓ પહોંચાડે છે. આ સંદેશાઓ આપણી ઇચ્છાઓ, ભૂખ લાગવી અથવા પેટ ભરેલું હોવાના એહસાસને નિયંત્રણમાં રાખે છે. એક સમય હતો જ્યારે આ વિચાર સાયન્સ ફિક્શન લાગતો હતો કે, આપણું મગજ કેવળ ખોરાકને જ નહીં પરંતુ આંતરડામાં રહેલ અબજો જીવાણુઓને પણ મોનિટર કરે છે પરંતુ હવે આ વિચાર વાસ્તવિક બની ગયો છે.
-
તાજેતરની એક રિસર્ચે જણાવ્યું છે કે, આપણા આંતરડામાં રહેલા બેક્ટીરિયા પળે-પળની માહિતી મગજને પહોંચાડે છે અને મગજ તેની ઉપર તાત્કાલિક ધોરણે અમલ પણ કરે છે(રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે). અધિકતર જીવાણુઓ આપણા પાચનતંત્રના એક ખાસ ભાગ colon માં હોય છે(જુઓ નીચેની ઇમેજ). આ એ જગ્યા છે જ્યાં તેઓ આપણા વધેલા ખોરાકના બગાડને તોડી એવા વિટામિન બનાવે છે જેને આપણું શરીર પોતે બનાવી નથી શકતું. જ્યારે આ જીવાણુઓ પોતાનું કાર્ય કરી રહ્યાં હોય છે ત્યારે તેઓ પોતાની સપાટીથી પ્રોટીનના કેટલાક નાના-નાના ટુકડા મુક્ત કરે છે જે આંતરડાની આંતરત્વચા(membrane) ની અંદર ફર્યા કરે છે.
આ ટુકડાઓમાં સૌથી સામાન્ય વસ્તુ Flagellin હોય છે. આ એ જ પ્રોટીન છે જે બેક્ટીરિયાની પૂંછને બનાવે છે. આ પૂંછ અંતે બેક્ટીરિયાને હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. Flagellin વિશે વૈજ્ઞાનિકો અગાઉથી જાણતા હતા કે, તે શરીરના રોગપ્રતિકારક તંત્રને ખબરદાર કરે છે. બસ, વૈજ્ઞાનિકો કેવળ એ ભ્રમમાં હતા કે, આ કાર્યનો અમલ અમુક કલાક પછી શરૂ થાય છે. સ્વાભાવિક છે કે, મગજે ભોજન દરમિયાન અને ભોજન સંબંધિત જો કોઇ તુરંત એક્શન લેવા હોય(જેમકે...સુગંધ, સ્વાદ વગેરે) તો કલાકોનો વિલંબ પરવડી ન જ શકે. આનો સ્પષ્ટ મતલબ એવો થાય કે, મગજ અને આંતરડા વચ્ચે એવો કોઇ એક્સપ્રેસ હાઇવે હોવો જ જોઇએ જે ઝડપથી(ક્ષણોમાં) માહિતીનું આદાનપ્રદાન કરતો હોય.
-
હવે Duke University School of Medicine ના સંશોધકોએ આ એક્સપ્રેસ-વે નો પત્તો લગાવી લીધો છે જેને neuropod cell કહે છે. આ કોષો સીધા vagus nerve ની નસો સાથે જોડાયેલ હોય છે. vagus nerve એક પ્રકારનો information
highway છે જે પેટ અને મગજ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન કરે છે. હવે થોડું ટેકનિકલી જોઇ લઇએ કે, આ કાર્ય ખરેખર થાય છે કઇરીતે?
-
આ વાત તો જો કે પહેલાથી જ ખબર હતી કે neuropod cell ખોરાકમાં મૌજૂદ પોષક તત્વોને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરે છે પરંતુ નવી રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, આ જ neuropod cell ના નજીકના સંબંધીઓમાં એક ખાસ રીસેપ્ટર્સ જોવા મળે છે જેને Toll-Like receptor 5(TLRs-5) કહેવામાં આવે છે. આ રીસેપ્ટરની સૌપ્રથમ વખત ભાળ immune system માં મળી હતી. જ્યાં તેનું કાર્ય બેક્ટીરિયાના Flagellin ને ઓળખવાનું હોય છે. જ્યારે Flagellin આવી TLRs-5 રીસેપ્ટર સાથે જોડાય છે ત્યારે neuropod તાત્કાલિક એક હાર્મોન મુક્ત કરે છે જેને peptide yy કહે છે (જુઓ નીચેની ઇમેજ). આ હાર્મોન મગજને સંદેશો આપે છે કે, હવે ખોરાક ખાવાની ઇચ્છાને રોકી દેવામાં આવે.
-
આ સઘળી conscious signaling
system છે જે આપણને ખાવા ન-ખાવાનો ઇશારો કરે છે. ટૂંકમાં આ એક કુદરતી બ્રેક છે. બેક્ટીરિયાની આપણા શરીર ઉપર થતી અસરને સમજવા માટે આ રિસર્ચ આગળ જતાં ખુબ અગત્યનો ભાગ ભજવે એમ છે.



No comments:
Post a Comment