ગુલઝારે ૧૯૬૩માં બનેલ ફિલ્મ "બંદિની" થી ગીતકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૧૯૭૧માં ફિલ્મ "મેરે અપને" થી દિગ્દર્શન શરૂ કર્યું હતું. ત્યારબાદ ૧૯૭૭ સુધીમાં તેમણે "કોશિષ", "મૌસમ" અને "આંધી" જેવી ઉત્તમ ફિલ્મો બનાવી પરંતુ દિગ્દર્શક તરીકે જે ફિલ્મે તેમને ગુરુ દત્ત જેવા સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતાઓની હરોળમાં મૂક્યા તે 1977ની ફિલ્મ "કિતાબ" હતી અને તેનું કારણ એ હતું કે 'કિતાબ' તેના સમય કરતાં ઘણી આગળની ફિલ્મ હતી. આજના સમયમાં આવી વાર્તા પર ફિલ્મ બનાવવી એ હેરતની વાત નથી પરંતુ 1977 ના યુગમાં તે એક મોટી વાત હતી.
-
વાર્તા મુખ્યત્વે બે બાળકો 'બાબલા' (માસ્ટર રાજુ) અને 'પપ્પુ' (માસ્ટર ટીટુ) ની આસપાસ ફરે છે. બાબલા ગામથી શહેરમાં તેની બહેન (વિદ્યા સિંહા) ના ઘરે ભણવા માટે આવે છે. તે ચોથા ધોરણનો વિદ્યાર્થી છે અને પપ્પુ તેનો સહાધ્યાયી છે. વાર્તા સરળ છે....બાબલા તેની ટીખળોને કારણે શાળામાં અને ઘરે બંને જગ્યાએથી ઠપકો સાંભળતો રહે છે અને એક દિવસ તે કોઈને કહ્યા વિના ઘરેથી ભાગી જાય છે, ગામમાં રહેતી તેની વૃદ્ધ માતા (દીના પાઠક) ને મળવા માટે. તેની પાસે ટિકિટ ન હોવાથી ટિકિટ માસ્તર તેને આગલા સ્ટેશન પર ઉતારી દે છે.
-
રાત્રે ઠંડીથી બચવા માટે તે ત્યાં સૂતેલ એક વૃદ્ધ સ્ત્રીના ધાબળામાં લપાઇને સૂઈ જાય છે. સવારે, વૃદ્ધ સ્ત્રીને સૂતી જોઈને તે તેના વાસણમાંથી એક સિક્કો ઉપાડે છે અને પાણી પીવા જાય છે. જ્યારે તે પાછો ફરે છે ત્યારે જુએ છે કે તે વૃદ્ધ સ્ત્રીની આસપાસ ઘણા બધા લોકો એકઠા થયા છે. નજીક જાય છે ત્યારે તે જુએ છે કે, એ વૃદ્ધ સ્ત્રી જેની સાથે તે રાત્રે સૂતો હતો તે મૃત્યુ પામી છે. તેને પસ્તાવો થાય છે. તે સિક્કો ત્યાં જ મુકી દે છે. તેને ખ્યાલ આવે છે કે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માટે શરારત જ બધું નથી પરંતુ વડીલોનો આદર અને શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આખરે તે ગામ પહોંચે છે જ્યાં તેની માતા, બહેન અને જીજા તેની ચિંતા કરતા હોય છે. ત્યાં તે દરેકને સારા વ્યક્તિ બનવાનું વચન આપે છે.
-
ઓહો! તમને થતું હશે વાર્તા તો બેહદ સાધારણ છે, તો પછી આને સમયથી આગળ કહેવાનું કારણ શું છે? કારણ છે....બાબલાનું પાત્ર અને ગુલઝાર સાહેબની સ્ક્રિપ્ટ. ૧૯૭૭ ના સમયમાં, ચોથા ધોરણમાં ભણતા બાળકને સિગારેટ પીતો દર્શાવવાની હિંમત જેવા-તેવા દિગ્દર્શક કરી શકે એમ ન હતાં તેમજ કોઈ બાળક તેના શિક્ષક માટે બોર્ડ પર "તમારા લગ્નની સુહાગરાત કેવી રહી?" લખવા જેવી મજાક વિશે વિચારી પણ શકતું ન હતું. નિર્દોષ હોવાની સાથેસાથે બાબલાને બુદ્ધિશાળી, તોફાની અને દાર્શનિક તરીકે દર્શાવવામાં આવ્યો છે. જીવનને જોવાનો તેનો અલગ દ્રષ્ટિકોણ અને તે પણ તે યુગમાં આટલા નાના બાળકને આ રીતે દર્શાવવો એ આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે.
-
હકીકતે બબલાના રૂપમાં ગુલઝાર, તે બાળકની અંદર સમાયેલા જોવા મળે છે. તે કવિતાઓ પણ લખે છે. એવું લાગે છે જાણે ગુલઝાર પોતે પોતાના બાળપણનું ફિલ્માંકન કરી રહ્યાં હોય. ખેર, આજની પેઢી તો ખૂબ જ ફાસ્ટ બની ગઈ છે છતાં આ ગુલઝાર સાહેબનો જ જાદુ છે કે તેમણે 47 વર્ષ પહેલાં જ આવી ફિલ્મ બનાવી નાંખી હતી.

No comments:
Post a Comment