મોન્ટીસેલો, ઈન્ડિયાના(અમેરિકા) શહેરની બે પુત્રીઓની 35 વર્ષીય એક મા, ''એશલી'' રજા ગાળવા માટે 'લેક ફ્રીમેન' ગઇ. ત્યાં તે તળાવ પર નૌકાવિહાર કરી રહી હતી. તેને માથામાં દુખાવો થયો, ચક્કર આવ્યા અને તરસ લાગી. તેણે એકીસાથે ઘણું પાણી પીધું લગભગ 20 મિનિટમાં 2 લીટર જેટલું. ઘરે પહોંચ્યા પછી તે બેભાન થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેનું મોત નીપજ્યું(લિંક નીચે મૌજૂદ છે). મૃત્યુનું કારણ તેના મગજમાં સોજો હોવાનું જાણવા મળ્યું. ટૂંકા ગાળામાં વધુ પડતું પાણી પીવાથી થતા આવા મૃત્યુને Water Toxicity અથવા Water Intoxication કહે છે.
આનું કારણ આપણા શરીરનું ક્રિયા-વિજ્ઞાન(Physiology) છે. આપણું શરીર પોતાનું એક યોગ્ય આંતરિક વાતાવરણ જાળવી રાખે છે. તેને Homeostasis કહેવામાં આવે છે. ધારો કે કોઇ વ્યક્તિ એકીસાથે બે લિટિર પાણી પીવે છે અને તે આંતરડા દ્વારા શોષાયને લોહીમાં ભળી જાય છે અને તેમાં જ રહી જાય, તો લોહી...જે સ્ત્રીઓમાં લગભગ 4.5 લિટર અને પુરૂષોમાં 5 લિટર જેટલું હોય છે તે વધીને લગભગ 7 લિટર જેટલું થઇ જશે. આ વધેલા જથ્થાની આપણા શરીર પર ઘણી વિપરીત અસરો થશે.
-
લોહીનું યોગ્ય પ્રમાણ જાળવવા માટે, આપણી કિડની પેશાબના રૂપમાં શરીરમાંથી વધારાનું પાણી દૂર કરે છે. પરંતુ આ નિષ્કર્ષણની એક મર્યાદા છે. કિડની પ્રતિ કલાક 0.8 થી 1 લિટર પાણીનો જ નિકાલ કરી શકે છે. જો તમે આનાથી વધુ પાણી પીઓ છો, તો તે લોહીમાં રહે છે અને તેનું પ્રમાણ વધે છે. આ સિવાય પેશાબમાં પાણીની સાથે થોડું સોડિયમ અને થોડી માત્રામાં પોટેશિયમ પણ બહાર આવે છે. આપણે જેટલું પાણી પીશું તેટલો વધુ પેશાબ ઉત્પન્ન થશે અને શરીરમાંથી વધુ સોડિયમ બહાર નીકળશે. જ્યારે સોડિયમ વધુ માત્રામાં શરીરમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે શરીરમાં તેની ઉણપ થાય છે. આ સ્થિતિને Hyponatremia કહેવામાં આવે છે. તેવી જ રીતે પોટેશિયમની ઉણપને Hypokalemia કહેવામાં આવે છે.
-
સોડિયમ અને પોટેશિયમ આપણા શરીરમાં જ્ઞાનતંતુઓમાં સંવેદનાના પ્રસારણ માટે જરૂરી છે. તેમની ઉણપને કારણે આપણું નર્વસ સિસ્ટમ, આપણા સ્નાયુઓ અને આપણું મગજ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ સિવાય જ્યારે આપણા લોહીમાં આ તત્વોની ઉણપ થાય છે અને લોહીમાં પાણીનું પ્રમાણ વધી જાય છે ત્યારે લોહી પાતળું થઈ જાય છે. તેને Low Osmolarity કહેવાય છે. આ સ્થિતિમાં Osmosis ને કારણે પાણી આપણા લોહીમાંથી બહાર આવે છે અને આપણા શરીરના કોષોની વચ્ચે અને તેમની અંદર પહોંચે છે. જ્યારે આવું થાય છે ત્યારે તેઓમાં સોજો આવી જાય છે. મગજ અને ફેફસાં જેવા મહત્વના અંગોમાં સોજો આવવાને કારણે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.
-
આ બાબતે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તંદુરસ્ત વ્યક્તિને આવું થવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે. રમતવીરો, મહિલાઓ, બાળકો અને કિડનીના દર્દીઓમાં અનેક કારણોસર આવું થવાની શક્યતા વધુ હોય છે. જ્યારે આવું થાય છે ત્યારે સામાન્ય સંજોગોમાં મૃત્યુ તરત જ નથી થતું. મૃત્યુ ત્યારે જ થઈ શકે છે જ્યારે 10-15 લિટર પાણી એક જ વારમાં પીવામાં આવે અથવા વ્યક્તિ ઘણા દિવસો સુધી વધુ પાણી પીતી હોય તથા સોડિયમ અને પોટેશિયમની જરૂરિયાત પૂરી ન કરતી હોય અથવા તેને કિડનીની કોઈ બીમારી હોય અથવા તે હાઈ બ્લડ પ્રેશરને કારણે પેશાબ વધારવા અને શરીરમાંથી સોડિયમ દૂર કરવા માટે દવાઓ લેતો હોય.
-
આપણું શરીર જ જણાવે છે કે આપણને કેટલું પાણી જોઈએ છે. શરીરમાં ગ્લુકોઝની ઉણપને આપણા મગજના receptors માપી લે છે અને એવી સંવેદનાઓ જગાડે છે જેનાથી આપણને ભૂખ લાગે છે. એ જ રીતે આપણા મોં ની શ્લેષમા(Buccal Mucosa) ના સુકાઇ જવાથી અને લોહીનું પ્રમાણ ઘટવાથી મગજ તુરંત તે સ્થિતિને પામી આપણને તરસ લગાડે છે. જ્યારે શરીરમાં સોડિયમ અને પોટેશિયમની ઉણપ હોય છે, ત્યારે આપણને મીઠું ખાવાની ઈચ્છા થાય છે. કેટલાક પ્રાણીઓ તેમના શરીરમાં કેલ્શિયમ અને સોડિયમ વગેરેની પૂર્તિ માટે દિવાલોને ચાટે છે. પ્રેગ્નન્સી દરમિયાન અમુક વસ્તુઓ ખાવાની ઈચ્છા પણ આપણા શરીરની આ ફિઝિયોલોજીને કારણે જ થાય છે.

No comments:
Post a Comment