વિષયને સમજતા પહેલાં થોડી પૂર્વભૂમિકા... સામાન્યપણે માસિક ચક્ર દરમિયાન અંડાશય(ovary) એક જ અંડાણું(ovum) મુક્ત કરે છે પરંતુ ક્યારેક તેમાંથી એક કરતા વધુ અંડાણું પણ મુક્ત થઇ જતાં હોય છે. તેને hyperovulation તરીકે ઓળખવામાં આવે છે. એક જ સમયે અથવા થોડા સમયના અંતરે બે અલગ-અલગ શુક્રાણુઓ દ્વારા સ્ત્રીના બે અંડાણું જ્યારે ફળદ્રુપ થાય ત્યારે Fraternal અથવા Dizygotic Twins ની રચના થાય છે. તેમના નિષેચન(ફળદ્રુપતા) માં બે અલગ-અલગ શુક્રાણુઓના યોગદાનના કારણે તેમના રંગસૂત્રો(chromosome) નો set અલગ-અલગ હોય છે. તેથી આ પ્રકારના જોડિયા...બે ભાઇઓ, બે બહેનો અથવા એક ભાઇ અને એક બહેન ગમે તે હોઇ શકે છે. તેમજ રંગસૂત્રો અલગ હોવાના કારણે તેમની લાક્ષણિકતાઓ પણ અલગ હોય છે.
-
ક્યારેક એવું બને છે, જ્યારે એક નિષેચિત અંડાણું(fertilized ovum - Zygote) થોડા સમય બાદ બે ભાગોમાં તૂટી જાય અને તે બંન્ને ભાગો અલગ-અલગ ભ્રૂણ બનાવે ત્યારે Identical અથવા Monozygotic Twins ની રચના થાય છે(જુઓ નીચેની ઇમેજ). એક જ અંડાણું અને એક જ શુક્રાણુ દ્વારા વિકસિત થવાના કારણે તેમના રંગસૂત્રોનો સેટ સમાન હોય છે. તેથી આ પ્રકારના જોડિયા સમાન લિંગ અને સમાન લક્ષણો ધરાવે છે.
-
હવે આવીએ મુખ્ય મુદ્દા ઉપર....એક જ નિષેચિત અંડાણુંના 13 થી 15 દિવસમાં બે ભાગમાં વિભાજીત થવાથી ઉત્પન્ન થયેલ Monozygotic Twins ની શારીરિક રીતે આપસમાં જોડાવાની શક્યતા વધી જાય છે. શારીરિક રીતે જોડાવાની આ ઘટનાને Siamese Twins કહે છે. આ પ્રકારના જોડિયા ક્યારેક-ક્યારેક જ જન્મે છે. તેમના આંતરિક અંગો ક્યાં તો સંપૂર્ણપણે અલગ હોય છે અથવા કેટલાક મહત્વપૂર્ણ અંગ એકબીજાની અંદર વહેંચાયેલા હોય છે(જુઓ નીચેની ઇમેજ). આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, આધુનિક તબીબી વિજ્ઞાન નિર્ણય લે છે કે આવા જોડિયા બાળકોને અલગ કરવા કે નહીં.
-
બીજું, આ પ્રકારના ભ્રૂણના વિકાસમાં ક્યારેક-ક્યારેક દોષ રહી જવા પામે છે જેથી બંન્ને શિશુ પૂર્ણ વિકસિત થઇ નથી શકતાં. તે સ્થિતિમાં એક માથું ચાર હાથ અને ચાર પગવાળા અથવા ચાર હાથ અને બે પગવાળા અથવા બે હાથ અને ચાર પગવાળા અથવા બે માથા સાથે હાથ-પગોની સઘળી સંભાવનાઓ વાળા બાળકો જન્મે છે. આને development defects કહે છે. આ ખામીઓ એવી જ છે જેમકે....Cleft Palate, Spina bifida, Congenital Telipes Equinovarus, Atrial અથવા Ventricular Septal defects, મળ કે મૂત્રમાર્ગનું ન બનવું અથવા બેવડું(double) બનવું વગેરે. જેને પાછળથી સર્જિકલ સારવાર દ્વારા સુધારવામાં આવે છે.
-
પ્રાણીના શરીરમાં એક કરતા વધુ માથા હોવાને Polycephaly કહેવાય છે. Poly = અનેક, Cephalus = માથા. એક શરીરમાં બે માથા હોવાના પણ પાછા બે પ્રકાર છે. (1) Dicephalus parapagus dipus:- અર્થાત એક ધડ ઉપર આજુબાજુ બે માથા (2) Craniopagus parasiticus:- અર્થાત બે માથા એકબીજા સાથે જોડાયેલા હોય છે(જુઓ મુખ્ય ઇમેજ). ત્રીજો પણ દુર્લભ પ્રકાર છે પરંતુ ફિલહાલ તેની ચર્ચા નથી કરવી.
-
એક ધડ ઉપર બે માથા ધરાવતા બાળકો ક્યારેક વયસ્ક અવસ્થા સુધી પહોંચી જાય છે. ભલે શરીર એક હોય પરંતુ માથા અલગ હોવાના કારણે આવી વ્યક્તિમાં બે વ્યક્તિત્વ હોય છે. કેમકે વિચારવાનું કાર્ય મગજ કરે છે અને વ્યક્તિત્વ મુખ્યત્વે મસ્તિષ્ક દ્વારા જ નક્કી થાય છે. આમાંથી જો એક માથું મૃત્યુ પામે તો બીજું માથું અને શરીર થોડો સમય જીવી શકે છે. ફક્ત મનુષ્ય જ નહીં અનેક પશુ, જંતુ ઇવન ફળો પણ આ પ્રકારના હોય છે. કેટલાક બે માથાવાળા સાપ પણ જન્મે છે. બે મસ્તિષ્ક હોવાના કારણે તેઓ ભિન્ન દિશામાં જવાનો પ્રયત્ન કરે છે. તેઓ સમાન ખોરાક માટે એકબીજા સાથે લડી પણ શકે છે. આંતરિક રીતે તેમનું પાચનતંત્ર એક જ હોવા છતાં, તેઓ અલગ-અલગ મોં દ્વારા ભોજન ગ્રહણ કરે છે. તેઓ એકમેકને મારવાની કોશિશ પણ કરી શકે છે.
-
અંતે મહત્વની વાત....આ પ્રકારના સજીવોની પરિભાષા આપણને સાયન્સ સિવાય કોણ સમજાવી શકે છે? શું ધર્મ સમજાવી શકે છે? આધ્યાત્મ સમજાવી શકે છે? આ વસ્તુઓ આપણને બતાવે છે કે જીવન શું છે? જીવો કેવીરીતે બને છે? તેમનું અલગ વ્યક્તિત્વ, તેમના અલગ "હું" નો અર્થ શું છે? તેમની ભિન્ન ચેતનાને કઇરીતે પરિભાષિત કરશો? આ ઘટનાઓ આપણને બતાવે છે કે નવા જીવનની શરૂઆત કયા સ્તરે થાય છે અને શા માટે થાય છે?
-
ચાર હાથ અને પગ, બે માથા અને અન્ય શારીરિક વિકૃતિઓવાળા બાળકના જન્મને સમજવાથી આપણને એ ખબર પડે છે કે આવા બાળકો દાનવો કે દેવી-દેવતાઓના અવતાર નથી, પૂજા-અર્ચનાની વસ્તુ નથી બલ્કે તેઓ ગર્ભના તબક્કામાં આપણા શરીરના વિકસિત દોષને લીધે જન્મેલા જીવો છે. આપણી આ સમજ આપણને અંધશ્રદ્ધાથી દૂર લઈ જાય છે. આપણી આ સમજ આપણને શરીર, જીવન, મૃત્યુ અને વ્યક્તિત્વને સમજવામાં મદદ કરે છે.
(મિત્ર રાજીવના સહયોગ વડે)




No comments:
Post a Comment