ઘણી વખત એવું બને છે કે વૈજ્ઞાનિકો કોઇ એક વિષયવસ્તુ ઉપર રિસર્ચ કરી રહ્યાં હોય પરંતુ તેમને કોઇ અન્ય વસ્તુ મળી આવે છે. બિલકુલ આવું જ થયું જ્યારે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે તેઓ પૃથ્વીના વાતાવરણના એક ભાગ જેને stratosphere(ઊર્ધ્વમંડળ) કહે છે તેનું અધ્યયન કરશે અને તેની engineering કરશે અર્થાત તેને બદલવાની કોશિશ કરશે.
-
આપણી પૃથ્વીના વાતાવરણના વિવિધ ભાગો છે(જુઓ મુખ્ય ઇમેજ) તેમાંથી એક ભાગ જેને stratosphere કહે છે જેનું ક્ષેત્રફળ પૃથ્વીની સપાટીથી લગભગ 12 થી લઇને 50 કિલોમીટર સુધી વિસ્તરેલું છે તેનું અધ્યયન વૈજ્ઞાનિકોની એક ટીમ કરી રહી હતી. તેઓનો મુખ્ય ધ્યેય આ ભાગમાં રહેલ aerosols ને મોનિટર કરવાનું હતું. aerosols નાના-નાના પાણીના ટીપાં હોય છે જેઓ પૃથ્વી તરફ આવનાર સૂર્યપ્રકાશ તેમજ અન્ય રેડિયેશનને scatter કરે છે(વેરવિખેર કરી નાંખે છે). stratosphere એક એવું layer છે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન મૌજૂદ છે. સાથેસાથે ઓઝોનનું પડ પણ આજ layer માં મૌજૂદ હોય છે.
-
જ્યારે કોઇ જ્વાળામુખી ફાટે છે ત્યારે તેમાંથી નીકળતી રાખમાં સલ્ફર ડાયોક્સાઇડ મૌજૂદ હોય છે. આ સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે stratosphere માં પહોંચે છે ત્યારે ત્યાં મૌજૂદ aerosols સાથે મળી સલ્ફ્યુરિક એસિડ બનાવે છે(જુઓ નીચેની ઇમેજ). યાદરહે સલ્ફ્યુરિક એસિડના જે કણ હોય છે તેની આયુ બે વર્ષની હોય છે. અર્થાત જો કોઇ જ્વાળામુખી ફાટ્યો તો તેમાંથી નીકળેલ સલ્ફર ડાયોક્સાઇડ વડે રસાયણિક પ્રક્રિયા કરી બનેલ સલ્ફ્યુરિક એસિડના કણો બે વર્ષ સુધી ત્યાં રહેશે જે સૂર્યપ્રકાશ તેમજ અન્ય રેડિયેશનને scatter કરે છે.
-
આપણે આ scattering ને સમજવા માંગતા હતાં પરંતુ stratosphere માં જઇને જ્યારે આપણે જોયું તો ખબર પડી કે, ત્યાં તો એલ્યુમિનિયમ, નિકલ વગેરે જેવા લગભગ વીસ જેટલાં અન્ય ધાતુના કણો પણ મૌજૂદ હતાં. આ કણોનું ત્યાં મળવું અચરજપૂર્ણ હતું કેમકે જમીન ઉપરથી તો આ કણો ત્યાં જઇ નથી શકતાં. માટે બે શક્યતાઓ જ બચે છે....ક્યાં તો ઉલ્કાઓ દ્વારા તેઓ ત્યાં પહોંચ્યા છે અથવા મનુષ્યોએ જે સેટેલાઇટ, રોકેટો વગેરે સ્પેસમાં મોકલ્યા છે તેમાંથી છૂટા પડી આ કણો ત્યાં જમા થયા છે. stratosphere માં આ ધાતુઓના કણોની જેટલી માત્રા મળી છે, તે પહેલી શક્યતાનો છેદ ઉડાવી દે છે. માટે બચે છે કેવળ બીજી શક્યતા.
-
એક ડેટા ઉપર નજર કરી લઇએ....8697 સેટેલાઇટો અત્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહી છે. 5000 સેટેલાઇટ તો આપણે કેવળ પાંચ વર્ષની અંદર જ મોકલી છે. આ ડેટા 4 ઓક્ટોબર 2023 ના છે. આ બધી સેટેલાઇટોએ અમુક વર્ષ પછી પોતાની આવરદા પૂર્ણ કરી ફરી પૃથ્વી તરફ આવવાનું છે. તો જ્યારે તેઓ પરત ફરશે ત્યારે વાતાવરણના ઘર્ષણના કારણે/ સળગવાના કારણે તેમના કણો stratosphere માં રહેશે. બે તો એવી દુર્લભ ધાતુના કણો મળ્યા છે જેનો ઉપયોગ રોકેટ બનાવવા માટે થાય છે અને તે ધાતુ છે...નિઓબિયમ અને હેફનિયમ.
-
એલોન મસ્કે તો જાહેર કરી દીધું છે કે તે થોડાં જ વર્ષોની અંદર 42000 સેટેલાઇટ સ્પેસમાં મોકલશે. સ્પેસ ટુરિઝમ પણ આવનારા વર્ષોની અંદર ખૂબ ફૂલવાફાલવાનું છે. જરા વિચારો!! આવા કણોની માત્રા કેટલી વધી જશે? આપણે જમીનની સાથે સ્પેસને પણ પ્રદુષિત કરી રહ્યાં છીએ. હેરતની વાત તો એ છે કે આની અડઅસર શું થશે તેનો હજી આપણને અંદાજો જ નથી. બિલકુલ એ રીતે જે રીતે આજે આપણે ધમધોકાર સોલાર પેનલો તો બનાવી રહ્યાં છીએ પરંતુ આજથી દસ-વીસ વર્ષ પછી તેમનો નિકાલ કઇરીતે કરીશું? રમત તો શરૂ કરી દીધી પણ તેનો અંત કઇરીતે કરીશું? no idea....

