પોષ્ટનું મથાળું ખરેખર ખુબજ ખુબસુરત છે. કેમ? કેમકે...તમે ક્યારેય water engineer એવો શબ્દ સાંભળ્યો છે? બીજું, શું વરસાદના પાણીને ઉગાડી શકાય? આ પોષ્ટ ખેડૂત મિત્રો માટે ખુબજ મહત્વની છે.
-
એક વ્યક્તિનો તમને પરિચય કરાવીએ જેમનું નામ છે....Zephaniah Phiri Maseko. તેઓ ઝિમ્બાબ્વેમાં રહેતા હતાં. એકસમયે તેઓ બેરોજગાર હતાં. તેઓ જ્યાં પણ નોકરી માટે જતા ત્યાંથી વીલા મોઢે પાછા ફરતા. આવી પરિસ્થિતિમાંથી કઇરીતે બહાર નીકળવું, ગુજરાન કઇરીતે ચલાવવું? તેમની પાસે એકજ રસ્તો હતો...જમીન. જી હાં, તેમની પાસે સાત એકર જમીન હતી પરંતુ બંજર. કેમકે તે ક્ષેત્રમાં વરસાદ ખુબજ નહિવત પડતો હતો. તેમણે વરસાદના પાણીને ઉગાડવાનું વિચાર્યું. કઇરીતે? વાંચો આગળ...
-
તેમનું અવલોકન જબરદસ્ત હતું. જ્યારે વરસાદ વરસતો ત્યારે તેઓ ઘરની બહાર નીકળી ખેતરમાં નિરીક્ષણ કરતા કે વરસાદનું પાણી ઘરની છત ઉપર કેવીરીતે પડે છે તેમજ નીચે જમીન ઉપર કેવીરીતે પહોંચે છે? જમીન ઉપર કઇરીતે વહે છે? ઘણી એવી જગ્યાઓ તેમને નજરે ચઢી જ્યાંથી પાણી વહેતું નહતું માટે તેઓ સમજી જતા હતાં કે આ એ જગ્યાઓ છે જ્યાં જમીન પાણીને શોષી લે છે. સાથેસાથે ઘણી એવી જગ્યાઓ હતી જ્યાંથી પાણી સડસડાટ વહી જતું હતું સાથેસાથે તે જમીનમાં તિરાડો પણ ઉત્પન્ન કરતું હતું.
-
સઘળુ અવલોકન કર્યા બાદ તેમણે પોતાના ખેતરનો નકશો તૈયાર કર્યો(જુઓ નીચેની ઇમેજ). તેમણે ખેતરમાં એક ઢાળ બનાવ્યો. હવે પાણીને ઢાળ ઉપરથી વહી જતુ રોકવા માટે ત્યાં અમુક જગ્યાએ પથ્થરો વડે કિલ્લેબંધી કરવામાં આવી. પરિણામે તે જળસંગ્રહિત સ્થળે શાકભાજી વાવવું તેમના માટે શક્ય બન્યું. ટૂંકમાં તેમણે પાણીને દિશા આપી અને તેનો સંગ્રહ કર્યો. તમને થતું હશે કે આવું તો આપણા ખેડૂતો પણ કરે છે, એમાં ક્યાં મોટી વાત છે? પરંતુ!! તેમની વિચક્ષણ ક્ષમતાનો એ વાતે અંદાજો લગાવી શકો છો કે તેઓ સઘળું planning, ચિત્રો/નકશા/રેખાંકનો વગેરેની સહાયતા વડે કરતાં જેનો ઉલ્લેખ તેમની પુસ્તકમાં બખુબી કરાયો છે, જેને આપણે આગળ જોઇશું.
-
તેમની બનાવેલ કેટલીક તસવીરો જુઓ(નીચેની ઇમેજ-1,2). કેટલું ખુબસુરત આયોજન છે. અહીં એક વાત નોંધવાલાયક છે કે તેમણે કેવળ ગ્રેવિટિનો ઉપયોગ કર્યો છે, અર્થાત કોઇપણ પ્રકારના પમ્પનો તેમણે ઉપયોગ કર્યો નથી. તેમની અથાગ મહેનતના પરિણામે તેમણે પ્રથમ પોતાના અને ત્યારબાદ તે ક્ષેત્રના સઘળા લોકોના બંજર ખેતરની શકલ બદલી નાંખી. ફળસ્વરૂપ જ્યાં વર્ષમાં એક પાક નહોતો થતો ત્યાં ત્રણ-ત્રણ પાક લેવાવા માંડ્યાં. તેમને national geographic society તરફથી પુરસ્કૃત પણ કરાયા હતાં તેમજ તેમની ઉપર ડોક્યુમેન્ટ્રી પણ બની હતી.
-
તેમણે કેવળ પાણીને દિશા આપીને સંગ્રહિત જ નહોતું કર્યું બલ્કે ખેતરની જ્યોગ્રાફી અનુસાર કયું વૃક્ષ/વનસ્પતિ ખેતરના કયા ભાગમાં વાવવું તેનું સઘળું ગણિત રેખાંકનો સાથે સમજાવ્યું. આગળ જે થયું તે જાણવું ખુબજ રસપ્રદ છે...વનસ્પતિ જેમજેમ ઉગવા માંડી તેમતેમ જે તે ક્ષેત્રનું ભૂગર્ભ જળસ્તર ઉપર આવવા માંડ્યું. કેમ? કેમકે વનસ્પતિઓ વરસાદના પાણીને જમીનની અંદર સંગ્રહિત કરે છે, બાષ્પીભવન(evaporation) ને ધીમેધીમે ઓછું કરે છે. આ ખુબજ મહત્વની વસ્તુ છે.
-
તેમણે આ બાબત આત્મસાત કરી લીધી અને આનો ફાયદો ઉઠાવવા માટે તેમણે ઘણી જગ્યાએ કુવાઓ ખોદ્યા(જુઓ નીચેની ઇમેજ-1). આ કુવાઓ વરસાદી મૌસમમાં તો ભરાઇ જ જતાં હતાં પરંતુ તે સિવાયની ઋતુમાં પણ જળસ્તર ઉંચું આવવાના કારણે તેમાં પાણી સંગ્રહિત રહેતું હતું. પછી તેમણે એક પુસ્તક લખ્યું જેનું નામ છે...."A Book of Life"(જુઓ મુખ્ય ઇમેજ). આ એક એવોર્ડ વિજેતા પુસ્તક છે. તેમના આ કાર્યને આધુનિક સમયમાં જારી રાખ્યું છે....Brad Lancaster એ, કે જેઓ water engineer છે. તેમણે પણ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે...."Rainwater Harvesting"(જુઓ નીચેની ઇમેજ-2). તેમણે તેમના વિચારોને શહેરોમાં પણ apply કર્યા છે અને ખુબજ અસરકારક પરિણામો મેળવ્યા છે. એક સેમ્પલ ઇમેજ તેમના પુસ્તકની જુઓ નીચેની ઇમેજ-3. આ બંન્ને પુસ્તકો ખુબજ જબરદસ્ત છે. મારી ગુજારિસ છે કે આ પુસ્તકોનું કોઇક અનુવાદન કરે અથવા સિંચાઇ વિભાગને બંન્ને પુસ્તકો પહોંચાડે જેથી ભારતના સામાન્ય ખેડૂતો પણ આનો મહત્તમ લાભ ઉઠાવી શકે વિશેષકર તે ક્ષેત્રના ખેડૂતો જ્યાં વરસાદ ઓછો અથવા નહીંવત પ્રમાણમાં પડે છે.








No comments:
Post a Comment