Saturday, May 6, 2023

ફોરેન્સિક સાયન્સ

 


 

થોડાં સમય પહેલાં ફ્રાન્સમાં વૈજ્ઞાનિકોને એક મોટી કબર મળી. કબરમાં સામુહિક રીતે ઘણી લાશોને દફનાવવામાં આવી હતી(જુઓ મુખ્ય ઇમેજ). પ્રાથમિક દ્રષ્ટિએ જોતા હરકોઇને ખ્યાલ આવી જાય કે લાશોને એકબીજાની ખુબજ નજીક તેમજ એકબીજાની ઉપર દાટવામાં આવી હતી. સ્વાભાવિક છે કારણ તો જાણવું પડે કે તેઓ સાથે શું થયું હતું? તેઓ કયા ક્ષેત્રોના વ્યક્તિઓ હતાં? ક્યારે તેમને દફનાવવામાં આવ્યા? તેમના મૃત્યુનું કારણ શું હતું? તેમની ઉંમર કેટલી હતી? તેમજ તેઓ પુરૂષ હતાં કે સ્ત્રી? બધા પ્રશ્નોના સમાધાન હેતુ ત્યાંની સરકારે એક કાબેલ માનવશાસ્ત્રી(forensic anthropologist) ની શોધખોળ અર્થે નિમણૂંક કરી. જેમનું નામ હતું...Dr. Dame Sue.

-

તેઓ St John's college, Oxford ના પ્રેસિડન્ટ છે. તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યા છે. તેમને તે કબરમાંથી નીકળેલ સઘળા હાડપિંજર માંથી એક હાડપિંજર સોંપવામાં આવ્યુ અને કહેવામાં આવ્યુ કે, આની સંપૂર્ણ કુંડળી કહો!! તેમણે સંશોધન શરૂ કર્યુ પરંતુ અહીં એક વાત તમને જણાવી દઇએ કે.....જો કોઇ જીવાશ્મ(fossil) 70 વર્ષથી વધુ પુરાણું છે તો સઘળી મેટર પુરાતત્વ(archaeology) વિભાગમાં જતી રહે છે અને 70 વર્ષથી ઓછું પુરાણું છે તો સઘળો કેસ ફોરેન્સિકનો થઇ જાય છે. હવે આપણે જોઇએ કે anthropologist જીવાશ્મનો પત્તો લગાવવા કેવા-કેવા નુસખા લગાવે છે? એવા ઘણાં નાના સૂક્ષ્મ જીવો છે જેઓ માંસનું જલ્દીથી વિઘટન(decompose) કરે છે અને છેવટે રહી જાય છે કેવળ...હાડપિંજર. હાડપિંજર વડે આપણે જે તે ભૂતકાળના સજીવની સઘળી માહિતી હાંસિલ કરવી હોય છે, જે હકિકતે ખુબજ પડકારરૂપ કાર્ય છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ સઘળી પ્રક્રિયાને સમજીએ...

-

શરૂઆત કરીએ લૈંગિક ઓળખની....તો સૌપ્રથમ દ્રષ્ટિ કરવી પડે pelvis(પેડુ) ના હાડકાંના ઢાંચા ઉપર. પુરૂષોના pelvis ના હાડકાં નાના હોય છે તેથી તેમની જે opening(પ્રવેશ-નિકાસનો દ્વાર/જગ્યા) હોય છે તે સાંકડી હોય છે અને સ્ત્રીની પહોળી કેમકે બાળકે જગ્યામાંથી નીચે આવવું પડે છે(જુઓ નીચેની ઇમેજ-1). બીજું, પુરૂષની આંખો ઉપરની ભમરની શિખરો(brow ridges) ઉપસેલી હોય છે જ્યારે સ્ત્રીની લગભગ સપાટ જેવી(જુઓ નીચેની ઇમેજ-2). ત્રીજું, ખોપડીના પાછળનો હિસ્સો કે જ્યાંથી કરોડરજ્જુ જોડાઇ હોય તે ભાગ બંન્નેનો અલગ-અલગ હોય છે(જુઓ નીચેની ઇમેજ-3). તો આટલી પ્રાથમિક માહિતી બાદ Dr. Dame Sue ને ખબર પડી ગઇ કે હાડપિંજર એક પુરૂષનું છે. ચાલો પ્રથમ પડાવ તો પાર પડી ગયો, હવે આંટીઘૂંટી શરૂ થાય છે...





-

સવાલ આવ્યો કે, આની ઉંમર કેટલી છે? માટે આપણે તેના દાંત(teeth) તરફ વળવું પડશે અને ખાસ કરીને દાઢ(molar) તરફ. જ્યારે બાળક -સાત વર્ષનું થઇ ગયું હોય એટલેકે તેના દાંત નીકળવાની શરૂઆત થઇ ચૂકી હોય, ત્યારે તેના ઉગતા દાંત જડબામાં ઉપર અને નીચે એમ બંન્ને તરફથી દબાણ આપવાનું શરૂ કરે છે(જુઓ નીચેની ઇમેજ). બીજું, જેને ડહાપણની દાઢ(wisdom teeth) કહેવામાં આવે છે તે સામાન્યપણે 17 થી 21 ની ઉંમરે વિકસે છે. તો થોડી એવી ટાઇમલાઇન છે જેને જોઇને આપણે યુવાવસ્થા સુધીની ઉંમરનો અંદાજો લગાવી શકીએ છીએ.



-

તો થઇ શરૂઆતી ઉંમરનો અંદાજો લગાવવાની કવાયત પરંતુ જો વ્યક્તિ ઉંમરલાયક હોય તો? તો પછી દાંતના ઘસારાનો સહારો લેવો પડે છે(જેટલી ઉંમર વધુ તેટલો દાંતોને ઘસારો વધુ લાગ્યો હોય). પણ....કેવળ ઘસારાથી સચોટ અંદાજો નથી આવતો, માટે પછી અન્ય અંગો તરફ વળવું પડે. જેમકે....pelvis ના એક હાડકાં sacrum નું જોડાણ જેવા અન્ય અંગોની વિશેષતા વગેરે વગેરે. ઊંડાણમાં નથી જવું અન્યથા પોષ્ટ લંબાઇ જશે. તો થઇ ઉંમર વિષેની કવાયતો પરંતુ હવે સવાલ ઉદભવે છે કે વ્યક્તિ કયા વિસ્તાર/પ્રદેશ/દેશનો રહેવાસી હશે?

-

માટે આપણે યાદ રાખવું પડશે કે આપણાં શરીરના તમામ હાડકાંઓ/કોષો પાસે આપણો રેકોર્ડ હોય છે કે આપણે શું-શું ખાઇએ-પીએ છીએ, ટૂંકમાં તેઓ data storage છે. જ્યારે આપણે પાણી પીએ છીએ ત્યારે પાણીમાં વિવિધ isotopes(અણુઓના સગા-સંબંધી--દેશી ભાષામાં કાકા-બાપાના છોકરાં) હોય છે. isotopes ની લગભગ સઘળી કૂંડળીનો ડેટા આપણી પાસે ઉપલબ્ધ છે કે તેઓ દુનિયામાં કયા-કયા ક્ષેત્રોમાં મૌજૂદ છે(જુઓ નીચેની હાઇડ્રોજનની આઇસોટોપિક ઇમેજ જેમાં ડાર્ક કલર એટલે હેવી આઇસોટોપ્સ અને ઝાંખા કલર એટલે હળવા આઇસોટોપ્સ). ટૂંકમાં આઇસોટોપ્સને જોઇને જે તે વિસ્તારનો ચિતાર મળી રહે છે અને ચિતારના આધારે તેમણે કહ્યું કે વ્યક્તિ ડેનમાર્કની આસપાસનો છે.



-

પછી મહત્વનો સવાલ આવ્યો કે તેની મૃત્યુ કઇરીતે થઇ? માટે સૌપ્રથમ તેની ખોપરી ઉપર નજર કરવી પડે કે તેની ઉપર કેવા પ્રકારના ચિહ્નો નજરે ચઢે છે, ત્યારબાદ અન્ય હાડકાંઓ તરફ. જુઓ નીચેની ઇમેજ, કે જે પ્રથમ અથડામણ(impact)ની છે. સરળ રીતે સમજીએ...જો તમે કાચ ઉપર જોરથી એક ચમચી ફેંકો છો તો તમને એક fracture નજરે ચઢશે. બિલકુલ આવુ fracture હાંડકાઓ ઉપર પણ નજરે ચઢે છે. આમાં ધ્યાન આપવા જેવી વાત છે કે અથડામણ જગ્યાની આસપાસ ઘણાં વર્તુળો અને radial લાઇનો(કેન્દ્રમાં થી નીકળતી લીટીઓ) દેખાશે. પણ...પણ...જો આજ જગ્યાએ અગર બીજી ચમચીને ફેંકવામાં આવે તો બીજું fracture નજરે ચઢશે. તો પછી આપણને કઇરીતે અંદાજો આવે કે પહેલું fracture કયું હતું અને બીજું કયું?



-

માટે એક સરળ ટેકનિક છે. પહેલા fracture ની લાઇનો સીધી હશે જ્યારે બીજા fracture ની લાઇનોને પહેલા fracture ની લાઇનો અવરોધશે જેથી તે આગળ વધી નહીં શકે(જુઓ નીચેની ઇમેજ). બીજું, આપણે સુપેરે જાણીએ છીએ કે ભાલો, તીર, તલવાર, ચપ્પુ વગેરેના ચિહ્નો કેવા હોય છે. તો આટલી રૂપરેખા પરથી તો જાણી શકાયુ કે હાડપિંજરને કપાળના સામેના ભાગેથી તીર વાગ્યુ હતું. જો કે ખોપરી ઉપર તલવારોના અન્ય ઇજાના ચિહ્નો પણ હતાં પરંતુ તેમની ઉપર રૂઝ આવી ગઇ હતી અર્થાત તે સમયે તે વ્યક્તિ મર્યો નહતો પરંતુ તીરના નિશાન ઉપર કોઇપણ જાતની રૂઝ આવી નહોતી. ટૂંકમાં તેનું મૃત્યુ તીર વડે થયું હતું તે કન્ફર્મ થઇ ગયું. ત્યારબાદ અન્ય પડાવો પણ હતાં જેમકે તેનો ચહેરો કેવો હતો? તે માટે કમ્પ્યુટર સિમ્યુલેશનનો સહારો લેવામાં આવ્યો જેની ચર્ચા ટાળીશું અન્યથા એક નવું શાસ્ત્ર બનશે.



 


No comments:

Post a Comment