વૈજ્ઞાનિકોએ લેબમાં કુત્રિમ રીતે માંસ બનાવી લીધું છે. હવેથી માંસ માટે કોઇપણ જીવિત જાનવરની હત્યા કરવાની જરૂર નહીં રહે. અહીં સવાલ એ ઉદભવે છે કે આખરે વૈજ્ઞાનિકોને લેબમાં માંસ બનાવવાની જરૂર જ શા માટે પડી? ઘણાં કારણો છે. આપણે હવે ધીમેધીમે પશુપાલન(live stock) ને તિલાંજલી આપવા જઇ રહ્યાં છીએ. કેમ? વાંચો આગળ...
-
>>>ફિલહાલ પૃથ્વીને સૌથી મોટો ખતરો ગ્લોબલ વોર્મિંગનો છે. જેમાં જાનવરની 15.5% ની હિસ્સેદારી છે અને વાહનવ્યવ્હારની 15% ની(જુઓ નીચેની ઇમેજ). અર્થાત ગ્લોબલ વોર્મિંગ માટે વાહનવ્યવ્હાર પશુપાલન કરતા ઓછું નુકસાનકારક છે.
>>>પાણીની અછત. એક કિલો માંસ મેળવવા માટે ગાયને લગભગ 7,000 થી 20,000 લિટર પાણી પીવડાવવું પડે છે. પાણીનો આ આંકડો વિવિધ સ્ટડીમાં ફરતો રહે છે પરંતુ હવે અધિકતર સ્ટડી અને પુસ્તકો સરેરાશ 15,400 લિટરને માન્ય ગણે છે. જો ખાલી 7,000 લિટરની જ વાત કરીએ તો આ એટલું પાણી છે જે તમારી ત્રણ મહિનાની નહાવાની જરૂરિયાત પૂરી કરી શકે છે. અર્થાત આપણે કુદરતી મીઠા પાણીનો દક્ષતાપૂર્વક ઉપયોગ નથી કરી રહ્યાં.
>>>એક સામાન્ય મરઘી(પોલ્ટ્રી ફાર્મની નહીં) પોતાને અપાતા ખોરાક અને પાણીના કેવળ 13% ને જ માંસમાં રૂપાંતર કરે છે કે જેને આપણે ખાઇ શકીએ છીએ. 87% ખાનપાન મરઘી પોતાની જાળવણી, વેસ્ટ પ્રોડક્ટ તેમજ પોતાના આંતરડાઓ(કે જેનો આપણે ઉપયોગ નથી કરતા) માટે ખર્ચી નાંખે છે. કલ્પના કરો એક એવો ધંધો જેમાં તમે 100 રૂપીયા નાંખો અને આઉટપુટ તરીકે તેમાંથી ફક્ત 13 રૂપીયા જ મળતા હોય તો શું તમે એવા ધંધાને ચાલુ રાખશો?
>>>જંગલોનો સફાયો થવાના કારણોમાં 30% હિસ્સો પશુપાલનનો છે એટલેકે 30% જેટલા જંગલોને કાપીને આપણે પશુપાલન માટે યા તો ધાન્ય ઉગાવી રહ્યાં છીએ યા તો તેમના માટે રહેઠાણ બનાવી રહ્યાં છીએ. એક ઉદાહરણ....અમેઝોનના જંગલોનો જે સફાયો થઇ રહ્યો છે તેમાંથી 90% ભાગ ઉપર સોયાબીન ઉગાડવામાં આવી રહ્યું છે કે જે પશુઓનો મુખ્ય ખોરાક છે.
>>>આ સમયે આપણે આપણી જરૂરિયાત કરતા 1.5 ગણુ વધુ અનાજ પકવી રહ્યાં છીએ. જેનું કારણ એ છે કે વધારાના તે અનાજની જરૂર પશુઓને છે. 1960 માં માંસનું ઉત્પાદન 70 મિલિયન ટન હતું જે 2018 માં વધીને 300 મિલિયન ટનથી વધુનું થઇ ગયુ(જુઓ નીચેની ઇમેજ). જરા વિચારો!! 2050 માં આ ઉત્પાદન 600 મિલિયન ટન કરતા વધી જશે. આટલું માંસ આપણે લાવીશું ક્યાંથી? સ્વાભાવિક છે તેના માટે આપણે વધુ પશુઓનો ઉછેર કરવો પડશે, વધુ અનાજ વાવવું પડશે, વધુ જંગલોનો સફાયો કરવો પડશે, વધુ પાણી જોઇશે પરંતુ આ બધી વસ્તુઓ તો આપણી પાસે ખુબજ મર્યાદિત છે.
>>>જાનવર આપણા માટે બીમારીઓનું ઘર હોય છે. દુનિયાની સઘળી મહામારીઓ જાનવરો દ્વારા જ આપણી પાસે પહોંચી છે. દુનિયામાં સૌથી વધુ એન્ટિબાયોટિક્સ જાનવરોને લગાવવી પડે છે. અગર અમેરિકાની વાત કરીએ તો લગભગ 81% એન્ટિબાયોટિક્સ જાનવરો અને ફક્ત 19% એન્ટિબાયોટિક્સ મનુષ્યો માટે વપરાય છે. જાનવરોને અપાયેલ એન્ટિબાયોટિક્સ પણ માંસ દ્વારા મનુષ્યોના શરીરમાં પ્રવેશી રહી હોવાથી મનુષ્યોનું એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ ઓછું થઇ રહ્યું છે કે જે એક ખતરનાક વસ્તુ છે.
-
તો આ સઘળી પૃષ્ઠભૂમિ હતી જે વૈજ્ઞાનિકોને એ વિચારવા મજબૂર કરતી હતી કે આપણે લેબમાં અને ત્યારબાદ મશીની સ્વરૂપે ફેક્ટરીઓમાં, હોટલોમાં તેમજ ઘરોમાં જ કુત્રિમ માંસનું નિર્માણ કરવું જોઇએ. હવે જોઇએ કે કુત્રિમ માંસને કઇરીતે બનાવી શકાય? સૌપ્રથમ જે જાનવરના માંસનું નિર્માણ કરવું હોય તેના સ્ટેમ સેલ લઇએ છીએ. આ સ્ટેમ સેલ તેના ગર્ભ(embryo) અથવા સ્નાયુમાંથી લઇ શકાય. બીજા ચરણમાં તે સ્ટેમ સેલને ઉગાડવામાં(grow કરવામાં) આવે છે. ત્યારબાદ તેને એક મશીનમાં નાંખવામાં આવે છે જેને બાયોરિએક્ટર કહે છે. આ બાયોરિએક્ટરમાં ઘણાં પોષકતત્વો પણ નાંખવામાં આવે છે કે જેની આપણને જરૂર છે. અંતે માંસના તે સેમ્પલને ત્રિઆયામી ખાદ્ય સંરચના(edible 3D frame) માં મોકલી ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે(જુઓ સઘળી પ્રક્રિયા નીચેની ઇમેજમાં).
-
આ રીતે તૈયાર થયેલ માંસ હુબહુ કુદરતી માંસ જેવું હોય છે બલ્કે તેના કરતા પણ એડવાન્સ હોય છે. જેમકે જો તમને શરીરમાં કોઇક તકલીફ છે તો તે અનુસાર બાયોરિએક્ટરમાં ફક્ત આંગળીના ટેરવે પોષ્ક તત્વોની માત્રામાં ફેરફાર કરી શકો છો, તેના સ્વાદમાં ફેરફાર કરી શકો છો. તમને આશ્ચર્ય થશે કે લંડનમાં હવે કુત્રિમ સિંહનું માંસ પણ વેચાય છે(જુઓ નીચેની ઇમેજ). ઘણાં દેશો કુત્રિમ માંસ તરફ વળી રહ્યાં છે. સિંગાપુર પ્રથમ એવો દેશ છે જેણે 2018-19 માંજ cultured meat ની મંજૂરી આપી દીધી. કતાર દેશ પણ આને અપનાવવા જઇ રહ્યો છે. 2019 માં international space station માં પણ કૃત્રિમ માંસને grow કરવામાં આવ્યું છે.
-
cultured meat માં આપણને food security(ખાદ્ય સુરક્ષા) નજરે ચઢે છે. આને ગમે ત્યાં તમે ઉત્પન્ન કરી શકો છો. મોટી-મોટી જાયન્ટ કંપનીઓ આ ક્ષેત્રે જંપલાવી રહી છે. ઇઝરાયેલની એક કંપની “Believer Meat” અમેરિકામાં એક વિશાળ ફેક્ટરી સ્થાપવા જઇ રહી છે જે મેકડોનાલ્ડ, KFC જેવી કંપનીઓને cultured meat
પૂરું પાડશે. છેલ્લે....cultured meat એ ધાર્મિક આસ્થા/નૈતિકતા સાથે જોડાયેલ પ્રશ્નોનું પણ નિરાકરણ કરે છે.




