Sunday, September 26, 2021

સમય



કાશ!! સમય કોઇ કણ, પિંડ, ઘટના અથવા વસ્તુ હોત તો ન કેવળ તેને ઓળખવામાં સરળતા રહેતે બલ્કે આપણે તેના વિશે અધિક શોધખોળ કરી શક્યા હોત. સમયના અમૂર્ત હોવાના કારણે તેને લઇને ઘણાં બધા ભ્રમ છે. જેમકે.....શું સમયનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે? સમય નિરપેક્ષ છે કે સાપેક્ષ? સમય અનંત છે કે તેની ઉત્પત્તિ થઇ છે? સમય સતત છે અસતત? સમયની દિશાનો અર્થ શું છે? શું સમયયાત્રા કરવું સંભવ છે? સમયયાત્રાનો ભૌતિકીય અર્થ શું છે? સમયની ગણના કરવામાં આવે છે કે તેને માપવામાં આવે છે? શું સમય ગતિ કરે છે? સમય બદલાય તો લોકો બદલાય જાય છે(પદાર્થની રાશિઓ પરિવર્તિત થઇ જાય છે) કે લોકો બદલાય ગયા એટલે આપણે કહીએ છીએ કે સમય બદલાય ગયો? શું બ્રહ્માંડમાં પરિવર્તનને માપવા માટે કોઇ ઘડીયાળ છે? અર્થાત શું કોઇ એવી બ્રહ્માંડમાં ઘડીયાળ છે જે નિરંતર ટીક-ટીક કર્યે રાખે છે?
-
જ્યારે આપણે કોઇ આભાસી પ્રતિબિંબને આભાસી કહીએ છીએ ત્યારે આપણને તેના પાછળની વાસ્તવિકતાની જાણ હોય છે, જેમકે...રણમાં દેખાતું મૃગજળ, fata morgana(જુઓ નીચેની ઇમેજ). આવી ઘટનાઓને આપણે ભ્રમ કહીએ છીએ. અર્થાત આપણે વાસ્તવિકતાને જાણ્યા વગર કોઇપણ ઘટના કે ભૌતિકતાને ભ્રમ નથી કહી શકતાં. તેમ છતાં આઇનસ્ટાઇને કહ્યું હતું કે "સમય એક ભ્રમ છે"(અહીં ગેરસમજ છે, હકિકતે આઇનસ્ટાઇને સમયની અવસ્થાઓને ભ્રમ કહ્યું હતું જેની ચર્ચા આપણે પછીથી કરીશું). તો વિજ્ઞાન માટે આવશ્યક છે કે આપણે સમયની વાસ્તવિકતાને જાણીએ, તેને સમજવાનો પ્રયાસ કરીએ. કેમકે જો સમય એક ભ્રમ છે તો આ ભ્રમ(સમય) ના આધારે ભૌતિક રાશિઓને માપવું કઇરીતે સાચું લેખાશે? ચાલો સમયને સમજવાની કોશિશ કરીએ.


-
ન્યૂટનનું માનવું હતું કે સમય નિરપેક્ષ(absolute) છે. મતલબ સમય બધા માટે સરખો જ વહે છે. અર્થાત જો તમે બે કલાકનો સમય વિતાવ્યો હોય તો બ્રહ્માંડમાં હરેક માટે બે કલાકનો જ સમય વ્યતિત થયો હશે. ભલે તે વ્યક્તિ ગુરૂ ગ્રહ ઉપર રહેતો હોય કે બ્લેકહોલમાં હોય કે કોઇ સ્પેસક્રાફ્ટમાં તીવ્ર ગતિએ ગતિ કરી રહ્યો હોય પરંતુ આઇનસ્ટાઇને આ વાત નકારી દીધી અને કહ્યું કે સમય સાપેક્ષ(relative) છે. હર વ્યક્તિની પરિસ્થિતિ અનુસાર સમય અલગ-અલગ વહે છે. જેના ઘણાં પ્રમાણો પણ આપણી પાસે મૌજૂદ છે. અહીં એક મનોવૈજ્ઞાનિક પાસું જોઇએ....અલગ-અલગ વ્યક્તિઓની મનોસ્થિતિએ સરખા વિતાવેલ સમયને એકબીજાથી ભિન્ન-ભિન્ન દર્શાવ્યા છે કે જેને આપણે ઘણીવાર મહેસુસ પણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે....જ્યારે આપણે કંટાળી ગયા હોઇએ ત્યારે સમય લાંબો પ્રતિત થાય છે, જ્યારે ખુશ હોઇએ ત્યારે સમય નાનો પ્રતિત થાય છે, જ્યારે ઉતાવળમાં હોઇએ ત્યારે સમય તીવ્ર પ્રતિત થાય છે, જ્યારે કોઇની રાહ જોતા હોઇએ ત્યારે સમય ધીમો પ્રતિત થાય છે, જ્યારે દુ:ખી હોઇએ ત્યારે સમય મૃત પ્રતિત થાય છે વગેરે. પરંતુ!! આ પ્રમાણે તો જગતમાં અફરાતફરી ફેલાઇ જશે, ન કેવળ સમયને લઇને બલ્કે સમયના પરિપ્રેક્ષ્ય કરવામાં આવતી ગણતરીને લઇને પણ. માટે ભલે સમયના માપનનું પરિમાણ ભિન્ન-ભિન્ન હો પરંતુ તેઓનો નિષ્કર્ષ એક જ હોય છે. જેમકે જો હું ઉભો છું અને કોઇ વ્યક્તિ 5 કિ.મી/કલાકની ગતિએ જઇ રહ્યો છે, તો મારી સાપેક્ષ તેની ગતિ 5 કિ.મી/કલાકની હશે પણ જો તમે મારી સાપેક્ષ 3 કિ.મી/કલાકની ગતિએ જઇ રહ્યાં છો તો તમારા માટે તે વ્યક્તિની ગતિ 2 કિ.મી/કલાકની હશે. અહીં આપણે બંન્ને પોતપોતાની રીતે સાચા છીએ.
-
સમય અને અંતરિક્ષ એકમેકમાં ગુંથાયેલા હોવાના કારણે થોડું સ્પેસ વિશે પણ જાણી લઇએ. સમય અને અંતરિક્ષ(space & time) બંન્ને પદાર્થ દ્વારા પરિભાષિત થાય છે કેમકે તેમનું પોતાનું કોઇ સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું. આ બંન્ને વસ્તુઓ કોઇપણ ચીજ થી નિર્મિત નથી તેમજ પદાર્થની અનુપસ્થિતિમાં આ બંન્નેનો કોઇ અર્થ પણ નથી. એટલા માટે સમય અને અંતરિક્ષ બંન્નેને અમૂર્ત(અવાસ્તવિક, અપ્રત્યક્ષ, અસ્પષ્ટ) કહેવામાં આવે છે અને આ બંન્ને પદાર્થની ઉપસ્થિતિમાં પરિભાષિત થાય છે. એટલા માટે આ પ્રશ્ન જ અનુચિત છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલાં શું હતું? સ્પેસ(અંતરિક્ષ, આકાશ, અંતરાલ/અંતરિયાળ, જગ્યા, અધર--જેનો આધાર ન હોય તેવું, ખાલી સ્થાન) નું પોતાનું કોઇ સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું એટલા માટે આ પ્રશ્નનો છેદ ઉડી જાય છે કે સ્પેસ શેના વડે બન્યું છે? અને જ્યારે સ્પેસ કોઇપણ ચીજ થી નિર્મિત નથી તો આપણે કઇરીતે કહી શકીએ કે સ્પેસ ક્યારે બન્યું? ઉપર જોયુ એમ સમય અને અંતરિક્ષ બંન્ને પદાર્થની ઉપસ્થિતિમાં પરિભાષિત થાય છે તેથી જ આપણે બિગબેંગ પછીના સ્પેસના અસ્તિત્વને જ પરિભાષિત કરીએ છીએ.
-
આપણે સમયને અનુલક્ષીને સેકન્ડ, મિનિટ, કલાક, મહિનો, વર્ષનો ઉલ્લેખ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં તે સમય નથી. ત્યાંસુધી કે આપણે જે ઘડિયાળને જોઇને સમય કહીએ છીએ તે ઘડિયાળ પણ સમય નથી. તો પછી સમય શું છે?
-

"ભૌતિકતામાં પરિવર્તન" ના માપને સમય કહે છે. પરિવર્તનના આધારે સેકન્ડ, મિનિટ, કલાક, મહિનો અને વર્ષને આપણે સમયના એકમના રૂપમાં પરિભાષિત કરીએ છીએ. ઘડિયાળ સમયના એકમને માપવાનું યંત્ર માત્ર છે. સમયનો સૌથી નાનો એકમ ભૌતિકતાના સૌથી નાના પરિવર્તનને પરિભાષિત કરે છે અને સૌથી નાનું પરિવર્તન આપણને સ્પંદનની ક્રિયામાં જોવા મળે છે. ત્યારબાદ ક્રમશ: પરિવર્તન કંપન અને ડોલનમાં જોવા મળશે. પરિવર્તનના આધારે સમયની ઓળખાણ ત્રણ સ્વરૂપે કરાય છે. (1) ગતિના આધારે (2) બળના આધારે (3) દિશા અને સ્થિતિના આધારે.

-

વિજ્ઞાનની સૌથી મોટી વિશેષતા તેની પોતાના વિષય પ્રતિ સ્પષ્ટતા છે અર્થાત વિજ્ઞાનમાં અપરિભાષિત શબ્દો માટે કોઇ સ્થાન નથી. ટૂંકમાં જે શબ્દોને આપણે પરિભાષિત નથી કરી શકતાં તેનો વિજ્ઞાનમાં વિશ્લેષણ માટે ઉપયોગ નથી કરાતો. તો શું આપણે વાસ્તવમાં સમયને પરિભાષિત કરી શકીએ છીએ? શું આપણે સમયથી સુપેરે પરિચિત છીએ? જી હાં, બિલકુલ પરિચિત છીએ અને પરિભાષિત કરવાની સાથોસાથ તેને માપીએ પણ છીએ. આટલી સ્પષ્ટતા એટલા માટે કરવી પડી કેમકે સમય અમૂર્ત(અવાસ્તવિક, અપ્રત્યક્ષ, અસ્પષ્ટ) છે, તો પછી આપણે સમયના પરિપ્રેક્ષ્ય ભૌતિક રાશિઓને કેવીરીતે માપી શકીએ છીએ? ટૂંકમાં ઉપર જણાવ્યા મુજબ તો સિદ્ધાંતો વિરૂધ્ધ છે. ક્યાંય એવું તો નથીને કે આપણે સમયના રૂપમાં કોઇક અન્ય વસ્તુની પહેચાન કરીએ છીએ અને દાવો કરીએ છીએ કે આપણે સમયને જાણીએ છીએ? અર્થાત આપણાં મગજમાં સમય માટે કોઇ ખોટી ધારણાં તો નથી ને? જી નહીં, એવું બિલકુલ નથી. બેશક, સમય ભ્રમ પેદા કરે છે જેનું કારણ આપણે સમયને મૂર્ત રૂપે ઓળખીએ છીએ. આવું કેવીરીતે સંભવ છે??? 

-

અહીં સૌપ્રથમ જોઇ લઇએ કે આઇનસ્ટાઇને શા માટે કહ્યું કે સમય એક ભ્રમ છે? સમયની ત્રણ અવસ્થા હોય છે...ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ પરંતુ વિજ્ઞાન અનુસાર ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ જેવી કોઇ ચીજ નથી હોતી. વાસ્તવમાં તે ગતિશીલ બ્રહ્માંડની અવધારણાનું નિરૂપણ છે. સમયની ત્રણેય અવસ્થાઓ એકબીજાની સાપેક્ષ પરિવર્તનનો બોધ કરાવે છે. જેમકે બ્રહ્માંડની ઉત્પત્તિ(બિગબેંગ) સાથે સમય અને અંતરિક્ષ અસ્તિત્વમાં આવ્યાં. મતલબ વર્તમાનની તુલનાએ ભૂતકાળમાં ઓછું સ્પેસ મૌજૂદ હતું અને ભવિષ્યમાં વધુ સ્પેસ મૌજૂદ હશે. અર્થાત ભૂતકાળમાં સ્પેસ અપેક્ષાકૃત સંકુચિત હતું જે ભવિષ્યમાં અપેક્ષાકૃત વિસ્તૃત હશે. આઇનસ્ટાઇને બ્રહ્માંડની આજ(સમયની) અવસ્થાઓને ભ્રમ કહ્યું હતું. કેમકે આજ અવસ્થાઓના કારણે મનુષ્યના મનમાં સમયયાત્રાની સંભાવનાઓને લઇને ભ્રમ ઉત્પન્ન થાય છે. સમયયાત્રા ત્યારે સંભવ થશે જ્યારે ભૂતકાળ અથવા ભવિષ્યનું પોતાનું કોઇ ઠોસ અસ્તિત્વ હશે. આજ અવસ્થાઓના કારણે આપણને બ્રહ્માંડની વાસ્તવિક સંરચનાને સમજવામાં મુશ્કેલી પડે છે.

-

હવે સવાલ ઉદભવે છે કે આખરે આપણને સમયની સંકલ્પનાની જરૂર શા માટે પડી હશે? તેના બે કારણો સમજાય છે. પ્રથમ, તે ઘટનાઓનું પુનરાવર્તન કે જે પ્રકૃતિમાં નિયમિત અને વ્યવસ્થિતપણે થયા કરે છે. ફળસ્વરૂપ મનુષ્યનું ધ્યાન ઘટનાઓની અવધિ અને તેમની મધ્યે પુનરાવર્તનના સમયગાળા ઉપર ગયું હોવું જોઇએ. બીજું, તે ઘટનાઓ વચ્ચે ભેદ પાડવા માટે કે કઇ ઘટના પહેલાં ઘટી અને કઇ બાદમાં? ફળસ્વરૂપ મનુષ્યનું ધ્યાન નિયમિત અને અનિયમિત ઘટનાઓ અને તેમની તુલનાત્મક અવધિના સમયગાળા ઉપર ગયું હોવું જોઇએ. જેનાથી સમયની શરૂઆત થઇ હશે.

-

સમય, પરિવર્તનના માપનો ગણિતિય આધાર છે. જેના પરિપ્રેક્ષ્ય આપણે અન્ય ભૌતિક quantity ને માપીએ છીએ. વિજ્ઞાનમાં આપણે મુખ્ય રૂપે ત્રણ ભૌતિક રાશિઓ(લંબાઇ, દળ અને સમય) ને ભણીએ છીએ. મૂળ રાશિઓમાં લંબાઇ અને દળનું પોતાનું મૂર્ત રૂપ હોવાના કારણે તેમને પરિભાષિત કરવું સરળ છે. જ્યારે સમયના અમૂર્ત(પ્રેમ, સુંદરતા, ઘૃણા વગેરે) હોવાના કારણે તેને પરિભાષિત કરવું અપેક્ષાકૃત મુશ્કેલ હોય છે. ફળસ્વરૂપ સમયને આપણે પદાર્થના મૂળભૂત ગુણધર્મ "ગતિ" દ્વારા પરિભાષિત કરીએ છીએ.

-

હકિકતે આપણે જે સમયને(યંત્રો દ્વારા) માપીએ છીએ, તે સમય નહીં પરંતુ સમયગાળો(duration) હોય છે. સ્થિતિ નહીં પરંતુ સ્થિતિના ગાળાને માપીએ છીએ. સમય(period) અને સમયગાળો(duration) બંન્ને ભિન્ન-ભિન્ન વસ્તુ છે. જ્યાં સમયનો આશય કાર્યમાં લાગેલ અવધિ સાથે છે જ્યારે સમયગાળાનો આશય પ્રથમ કાર્યનું અંતિમ ક્ષણ અને બીજા કાર્યનું પ્રારંભિક ક્ષણ વચ્ચેનો ગાળો છે. એટલા માટે સમયનો સબંધ પદાર્થ સાથે જ્યારે સમયગાળાનો સબંધ અંતરિક્ષ સાથે છે. એક સરળ ઉદાહરણ દ્વારા સમયને સમજીએ....સૌપ્રથમ કોઇ વસ્તુના મૂલ્ય(value) ને સમય માની લો, તેના મૂલ્ય અને કિંમત(price) ના અંતરને સમયગાળો(duration) માની લો તેમજ સમયના એકમો(units) ને રૂપીયા માની લો. હવે વસ્તુનું મૂલ્ય તેની લાગત ઉપર નિર્ભર કરે છે જ્યારે તેની કિંમત અપેક્ષિત લાભ ઉપર. ફળસ્વરૂપ વસ્તુની કિમત મૂલ્યથી વધુ અને પરિવર્તનશીલ હોય છે. હવે તમે સમયની અવધારણાને બરોબર સમજી શકશો. વસ્તુનું મૂલ્ય અને તેની કિંમત બંન્ને એકજ એકમ(રૂપીયા) દ્વારા પરિભાષિત થાય છે. જે ક્ષણ માટે આપણે ભૌતિકતાની વાસ્તવિક સ્થિતિ જ્ઞાત કરવા માંગીએ છીએ એજ ક્ષણે તેની વાસ્તવિક સ્થિતિ બતાવી નથી શકતાં. કેમકે જ્ઞાત કરવામાં અને તેને બતાવવામાં ભૌતિકતાની વાસ્તવિકતા બદલાય જાય છે. અર્થાત સમય બદલાય જાય છે. સિવાય બે ભિન્ન ભૌતિકતાની સ્થિતિની વચ્ચેનું અંતર પણ મૂલ્ય અને તેની કિંમત પર આધારિત હોય છે અને અંતરને પણ રૂપીયા અર્થાત સમયના એકમના રૂપમાં વ્યક્ત કરી શકાય છે.