આપણાં માટે જમીનની સમસ્યા વિકરાળ બની રહી છે. જેનું કારણ વસ્તીવધારો છે. આપણાં જમીનનો લગભગ 70% ભાગ સમુદ્રોએ રોક્યો છે. અર્થાત 30% જ જમીન છે જે આપણાં માટે છે. તે 30% નો લગભગ 71% ભાગ જ વસવાટ યોગ્ય છે. તેમજ આ 30% ના 11% ભાગમાં આપણે ખેતી કરીએ છીએ(જુઓ નીચેની ઇમેજ). ત્રીસ વર્ષ પછી એટલેકે 2050 સુધીમાં આપણી જે ખોરાકની જરૂરિયાત છે તે લગભગ 70% જેટલી વધી જશે. સામે છેડે આપણી પાસે ખેતીલાયક જમીન ધીમેધીમે ઓછી થઇ રહી છે. ટૂંકમાં જમીનની સમસ્યા વિકરાળ સ્વરૂપ લઇ રહી છે, કેમકે આપણને રહેવા માટે પણ જમીન જોઇશે અને ખેતી માટે પણ.
-
એક બીજી સમસ્યા પાણીની છે. આપણી પૃથ્વી ઉપર જેટવું પાણી છે તેમાંથી ફક્ત 1% પાણી જ પીવાલાયક છે. આમ તો 2.5% જેટલું ફ્રેશ વોટર છે પરંતુ તેમાંથી મોટાભાગનું પાણી ધ્રુવો ઉપર બરફના રૂપે સંગ્રહિત છે. પીવાલાયક 1% પાણીનો મોટો ભાગ આપણે પાછાં ખેતી/ઉદ્યોગમાં વાપરીએ છીએ. જે પ્રકારે આપણે ખેતી કરી રહ્યાં છીએ, જે રીતે ખેતી માટે આપણે જંતુનાશકો, ખાતરનો ઉપયોગ કરી રહ્યાં છીએ...તે જૈવવિવિધતા(biodiversity) ને ખતમ કરી રહી છે. ગત 40 વર્ષોમાં મત્સઉદ્યોગ 50% જેટલો ઘટી ગયો છે(જુઓ નીચેની ઇમેજ). જેના કારણે બેરોજગારી વધી છે. ટૂંકમાં આપણી પાસે સંસાધનો ઓછા થઇ રહ્યાં છે માટે ઉકેલ અર્થે આપણે અન્ય રસ્તાઓ શોધવા પડશે. જે લોકો આ વાત આજે નથી સમજી રહ્યાં તેઓ દસ વર્ષ પછી સમજી જશે.
-
તો પછી આનો ઉપાય શું? વર્ટિકલ ફાર્મિંગ જેવા ઉપાયો છે પરંતુ આનો એક સટીક ઉપાય પણ છે અને તે છે....સમુદ્ર. પૃથ્વી ઉપર 70% પાણી છે, જો આપણે સમુદ્રોમાં જ ખોરાક ઉત્પન્ન કરવા માંડીએ તો? વાત ભલે હાસ્યાસ્પદ લાગતી હોય પરંતુ તેની ઉપર કાર્ય શરૂ થઇ ગયું છે. સમુદ્રોમાં વિવિધ ઠેકાણે રસી અને જાળની મદદથી નાનાં-નાનાં ખેતરો બની રહ્યાં છે(જુઓ મુખ્ય ઇમેજ/નીચેની ઇમેજ-1,2). જેમાં માછલીઓની વિવિધ જાતોને રાખવામાં આવે છે. સમુદ્રોનો FCR(Food Conversion Ratio) અર્થાત ખોરાક રૂપાંતર ગુણોત્તર ખુબજ સારો હોય છે. FCR નો મતલબ છે કે તમે કેટલાં કિ.ગ્રા સજીવને ખોરાક/ચારો આપો છો જેનાથી તમને 1 કિ.ગ્રા માંસ મળશે. જુઓ નીચેની ઇમેજ-3, જેમાં દર્શાવ્યું છે કે ગાયનો FCR 7:1 છે. અર્થાત તમે 7 kg. નો ખોરાક આપશો તો તમને 1 kg. માંસ મળશે. જ્યારે સમુદ્રી જીવોનો FCR ખુબજ ઓછો છે. આ લાઇફ સ્ટોકનો ફાયદો એ છે કે....જો આને જમીન ઉપર બનાવવું હોય તો સર્વપ્રથમ જમીન ફાળવવી પડશે, તેના માટે ફ્રેશ વોટર જોઇશે, તે પાણીનું તાપમાન મેન્ટેન કરવું પડશે વગેરે પરંતુ સમુદ્રમાં આ બધી વસ્તુ હાજર હોય છે. તેને કોઇ દેખરેખની જરૂર નથી હોતી. પૈસાની દ્રષ્ટિએ પણ સસ્તુ છે.
-
આ તો થઇ લાઇફ સ્ટોકની વાત, હવે દરિયાઇ ખેતી ઉપર નજર કરીએ...ખેતી માટે ફિલહાલ બે વનસ્પતિનો ઉછેર કરાઇ રહ્યો છે (1) Seaweed (2) Kelp. Seaweed ને કાંઠાના ભાગ તરફ ઉગાડવામાં આવે છે. કેમકે ત્યાં તેમની વૃદ્ધિ ઝડપથી થાય છે. Kelp ને પાણીની અંદર ઉગાડવામાં આવે છે. ઇન્ડોનેશિયા, ચીન, તાઇવાન જેવા દેશોમાં Kelp ની મોટી industries મૌજૂદ છે. બીજી પણ ઘણી વનસ્પતિઓને દરિયામાં ઉગાડવાના પ્રયત્નો કરાઇ રહ્યાં છે(એક એવું ખેતર જેને દરિયાના ઉંડાણમાં બનાવવામાં આવ્યું છે, જુઓ નીચેની ઇમેજ, જેના વિષે વિસ્તૃત પોષ્ટ ફરી ક્યારેક). ખારા પાણીમાં વનસ્પતિઓને કઇરીતે ઉગાડવી તે માટે લેબમાં ઘણાં રિસર્ચ થઇ રહ્યાં છે.જેના સાનુકુળ પરિણામો પણ મળી રહ્યાં છે.