હેડ ટ્રાન્સપ્લાન્ટનો સૌપ્રથમ આંશિક સફળ પ્રયોગ વર્ષ 1970 માં કેસ વેસ્ટર્ન યુનિવર્સિટીના સર્જન ડોક્ટર Robert White એ વાંદરાઓ ઉપર કર્યો. માથુંને કાપી નવા ધડ ઉપર પ્રત્યારોપિત કર્યા બાદ વાંદરાઓ જોવા, સાંભળવા તથા સૂંઘવામાં તો સક્ષ્મ દેખાતા હતાં પરંતુ થોડા કલાકો બાદ તેમની મૃત્યુ થઇ ગઇ. આ પ્રકારના પ્રયોગો મનુષ્યને છોડીને ઉંદરો, કુતરાઓ જેવા ઘણાં જીવો ઉપર કરવામાં આવ્યો. બધાના પરિણામો એક સરખા જ આવ્યા. થોડા સમય પુરતા જૈવિક ગતિવિધિઓને પ્રદર્શિત કર્યા બાદ સર્વે જીવોની મૃત્યુ થઇ જતી હતી. તો આખરે મસ્તક પ્રત્યારોપણ કરવામાં અડચણ શું છે?
-
વેલ, મુખ્યત્વે ત્રણ અડચણો છે. પ્રથમ....માથુંના ધડથી અલગ થવાથી લોહી તથા ઓક્સિજનનો પ્રવાહ રોકાય જાય છે અને આ બંન્નેના અભાવમાં માત્ર કેટલીક મિનિટોમાંજ મસ્તકની કોષિકાઓ મરવા માંડે છે. બીજી.....આપણાં શરીરનું રોગપ્રતિકારક તંત્ર(immune system) બાહરી કોષિકાઓના સંપર્કમાં આવતા જ જાગ્રત થઇ જાય છે અને તેમને ખતરો માની નષ્ટ કરી નાંખે છે. આ કારણે એ શક્યતા ખુબજ ઓછી છે કે કોઇપણ મનુષ્યનું શરીર અન્ય બીજા મનુષ્યના મસ્તકને સફળતાપૂર્વક સ્વીકારશે. ત્રીજી અને સૌથી મોટી અડચણ....કરોડરજ્જુ(spinal cord) કે જે મસ્તક સાથે જોડાયેલું હોય છે, તેને કાપવાથી ક્ષતિગ્રસ્ત થયેલ કરોડો nerve fiber(ચેતા કોષો) ને આપસમાં, પૂર્વસ્થિતિમાં યોગ્ય રીતે જોડવું બેહદ...બેહદ... મુશ્કેલ છે. આ કારણે આજસુધી કોઇપણ મેડિકલ સંસ્થાએ આ પ્રયોગને માનવો ઉપર દોહરાવવાની પરવાનગી નથી આપી.
-
છતાં, ઇટાલીના બેહદ ચર્ચિત અને વિવાદાસ્પદ ડોક્ટર Sergio Canavero એ ઘોષણા કરી હતી કે તેઓ 2017માં વિશ્વનું પ્રથમ માનવ મસ્તકનું પ્રત્યારોપણ કરશે. સદનસીબે તેમને એમના આ કાર્ય માટે એક દર્દી પણ મળી ગયો. werdnig hoffman નામક એક દુર્લભ બીમારીને કારણે હલન-ચલનની શક્તિ ખોઇ ચૂકેલ 33 વર્ષીય રશિયન યુવક Valery Spiridonov એ આ માટે તૈયારી બતાવી. હવે સવાલ એ ઉઠે છે કે ડોક્ટર આ ઓપરેશન પાર પાડશે કઇરીતે?ચાલો સમજીએ.....
-
સર્જીયોનું કહેવું છે કે સૌપ્રથમ મસ્તક અને ધડને બેહદ ઓછા તાપમાને ઠંડા કરીને જમાવી દેવામાં આવશે અને મશીનો દ્વારા મગજ સુધી ઓક્સિજન અને લોહી પ્રવાહિત કરવામાં આવશે. જેનાથી એક કલાક સુધી મગજને જીવંત રાખી શકાશે(આ વાત માની શકાય એમ છે). ત્યારબાદ એક તીક્ષ્ણ ધારવાળી ડાયમંડ બ્લેડ વડે ખોપડીના નીચેથી કરોડરજ્જુને ખુબજ સફાઇથી કાપવામાં આવશે. મસ્તકને ધડ સાથે જોડતા પહેલાં બેહદ અધિક માત્રામાં ઇમ્યુન સિસ્ટમને નિષ્ક્રિય કરવાવાળી દવાઓનો ઉપયોગ કરાશે. સર્જીયોનું કહેવું છે કે તેમની પાસે પોલીએથિલીન ગ્લાઇકોલ નામક એવો ચમત્કારિક પદાર્થ છે, જેમાં ક્ષતિગ્રસ્ત ચેતા કોષોને આપસમાં વ્યવસ્થિત રીતે જોડવાની અદભૂત ક્ષમતા છે. આ પદાર્થ શું છે, એ વિષે વધુ જાણકારી ઉપલબ્ધ નથી.
-
સર્જીયો પોતાના દાવાના પક્ષમાં કેટલાક વીડિઓ પ્રસ્તુત કરે છે, જેમાં મસ્તક પ્રત્યારોપણ કરેલ જાનવર સામાન્યરૂપે હરતા-ફરતા દેખાય છે, પરંતુ વૈજ્ઞાનિક સમુદાય તેમના દાવા પ્રતિ શંકાશીલ છે. વૈજ્ઞાનિકો અનુસાર વર્તમાનમાં એવી કોઇ ટેકનિક નથી કે એક કલાકની અંદર કરોડો ક્ષતિગ્રસ્ત ચેતા કોષોને તેમની પૂર્વવ્રત સ્થિતિમાં જોડી શકે. અગર કોષોને યોગ્ય રીતે જોડવામાં ન આવે તો બની શકે કે ઓપરેશન બાદ મનુષ્ય હરતા-ફરતા પ્રેત અર્થાત ઝોમ્બી બની જાય? મતલબ વ્યક્તિ ખાવા-પીવા-ફરવામાં તો સક્ષમ થઇ જાય પરંતુ તેની ચેતના અને સ્વબોધ ની અનુભૂતિ ગંભીરપણે પ્રભાવિત થઇ શકે છે. તો પછી ઓપરેશનનું શું થયું? કંઇ નહીં. એવું કોઇ ઓપરેશન જ નથી થયું. બન્યુ એવું કે ઓપરેશન પહેલાં જ યુવક વેલેરીને એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો અને તેણે પોતાનું નામ પાછુ ખેંચી લીધું. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં આવા ઓપરેશનની મંજૂરી ન મળ્યા બાદ સર્જીયોએ ચીનનો દરવાજો ખખડાવ્યો છે. તેમજ ચીની સર્જન Xiao-ping Ren સાથે મળીને એક નવા દર્દી સાથે જલ્દી આ ઓપરેશનને પાર પાડવાની યોજનાઓ બનાવી રહ્યાં છે.
-
હ્રદય, કિડની, લીવર જેવા અંગોના પ્રત્યારોપણનો ફાયદો એ છે કે વ્યક્તિ થોડી વધુ આવરદા ભોગવી શકે પરંતુ સવાલ એ ઉદભવે છે કે આખરે કો'ક ના ધડ ઉપર કો'કનું માથું ફીટ કરવાની જરૂર જ શું છે? વેલ, જાણીને નવાઇ લાગશે કે આપણી ત્વચા બનાવનારી કોષિકાઓ બે અઠવાડિયા પુરાણી હોય છે, રક્તમાં મૌજૂદ રક્ત કોષિકાઓ ચાર મહિના પુરાણી હોય છે અને લીવરની કોષિકાઓ લગભગ એક વર્ષમાં મૃત થઇ જાય છે. હર ક્ષણ આપણાં શરીરમાં લાખો કોષિકાઓ મૃત્યુ પામી રહી હોય છે, સામે એજ અનુપાતમાં નવી કોષિકાઓનો જન્મ પણ થઇ જાય છે. લગભગ 7 વર્ષની અંદર શરીરને બનાવનાર પ્રત્યેક અણુ બદલાઇ ચૂક્યો હોય છે. પરંતુ મગજમાં મૌજૂદ અધિકતર ન્યૂરોન્સ(મસ્તિષ્ક કોષિકાઓ) જન્મથી લઇને મૃત્યુ સુધી અકબંધ રહે છે. થોડા અલ્પ સંખ્યામાં ન્યૂરોન્સનું નવનિર્માણ hippocampus(યાદ સાથે જોડાયેલ હિસ્સો) અને olfactory bulb(ગંધ પારખવા સંબંધિત હિસ્સો) માં થતું રહે છે.
-
સ્વાભાવિક છે કે જ્યારે શરીરનું મૃત્યુ થાય ત્યારે મસ્તકનું પણ મોત નીપજે છે પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે એક સ્વસ્થ શરીરમાં મસ્તકને ઘણાં લાંબા સમય સુધી જીવિત રાખી શકાય છે. આ સંદર્ભે સશક્ત પ્રમાણ ઇટાલીના પવિયા યુનિવર્સિટીના શોધકર્તા Lorenzo Magrassi એ પ્રસ્તુત કર્યું. તેમણે એક પ્રયોગ અંતર્ગત લગભગ 18 મહિનાની આયુષ્યવાળા છછુંદરો(mouse) ના ન્યૂરોન્સ 3 વર્ષ સુધી જીવતા ઉંદરો(rat) ના મસ્તકમાં પ્રત્યારોપિત કરી દીધા. પ્રયોગમાં જોવા મળ્યુ કે ઉંદરો(rat) ની મૃત્યુસુધી પ્રત્યારોપિત ન્યૂરોન્સ સ્વસ્થ અવસ્થા માંજ મૌજૂદ હતાં. જો આપણે માની લઇએ કે ન્યૂરોન્સની વય શરીરની તુલનાએ વધુ હોય છે, તો દીર્ઘાયુ થવાનો એક અજીબોગરીબ પ્રયાસ એ પણ થઇ શકે કે....શરીરના કમજોર થવાથી જે તે વ્યક્તિનું માથું કોઇક યુવાન શરીર ઉપર પ્રત્યારોપિત કરી નાંખવામાં આવે.
-
આપણે યાદ રાખવું જોઇએ કે, એક સમય હતો જ્યારે અંગોનું પ્રત્યારોપણ એક કલ્પના મનાતી હતી અને આજે આપણે હ્રદય, કિડની, લીવર ત્યાંસુધી કે શિશ્નના પ્રત્યારોપણમાં પણ સફળતા મેળવી છે. શું ખબર કે Head Transplants વડે લોકો લાંબા સમય સુધી જીવવામાં સક્ષમ થઇ પણ જાય? સર્જીયો જેવા ડોક્ટર કેટલાક લોકો માટે અનૈતિક અથવા વિવાદાસ્પદ હોય શકે છે પરંતુ તેમના હોંસલા અને લગનમાં માનવતા માટેની એક ઉમ્મીદ અવશ્ય છુપાઇ છે. સારી વાત એ છે કે દુનિયાના ઘણાં વૈજ્ઞાનિક મસ્તક પ્રત્યારોપણની પ્રક્રિયાને બેહદ મુશ્કેલ તો બતાવે છે પરંતુ અસંભવ નહીં અને અસંભવ પ્રતીત થતી વસ્તુને સંભવ કરી દેખાડવું આપણાં મનુષ્યોનો પસંદગીનો વિષય રહ્યો છે.
(મિત્ર વિજય દ્વારા)

No comments:
Post a Comment