દેશની પ્રથમ મહિલા ચિકિત્સકોમાંથી એક, દેશની પ્રથમ(ઇનફેક્ટ દુનિયાની પ્રથમ) વિધાન પરિસદની ઉપાધ્યક્ષ, સમાજ સુધારક, પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજિત "મુથુલક્ષ્મી રેડ્ડી" .....મહિલાઓ માટેનો આદર્શ શા માટે ન હોવી જોઇએ?
-
મુથુલક્ષ્મી રેડ્ડીનો જન્મ 1886 તામિલનાડુમાં થયો હતો. તેમની માતા દેવદાસી હતી. દેવદાસી એવી મહિલાઓ હતી જેઓ સ્થાઇ રૂપે મંદિરના દેવતાઓ માટે સમર્પિત હતી. તેમણે નૃત્યકલાઓ વડે દેવતાની આરાધના અને સેવા કરવી પડતી(અહીં હકિકતે કોની સેવા કરવી પડતી હતી તે કહેવાની જરૂર ખરી?). દેવદાસીઓ મોટેભાગે શોષણ(મુખ્યત્વે યૌન શોષણ) નો શિકાર થતી. તેમનું જીવન વેશ્યાવૃત્તિ કરતાં પણ બદતર હતું. યુવાનીના ઉંબરે પગ મુકતાની સાથે જ છોકરીને એક વિશેષ ધાર્મિક સમારોહ દ્વારા દેવદાસી સમુદાયમાં સમર્પિત કરી દેવામાં આવતી હતી. જેમની ના કોઇ પોતાની ઓળખ રહેતી કે ના કોઇ અધિકાર. સૌથી હાસ્યાસ્પદ વાત તો એ હતી કે, દેવદાસીઓને વિવાહની અનુમતિ નહતી તેમજ તેઓ "નિત્યસુમંગલી" કહેવાતી. જેનો અર્થ થાય વિધવાપણા થી પ્રતિરક્ષા અર્થાત તેમને વિધવા થતી બચાવવી. મૃદુ ભાષામાં આને એક ભદ્દી ગાળ જ કહી શકાય, કેમકે જેને લગ્નની અનુમતિ જ નથી તે વિધવા કઇરીતે થઇ શકે?(છે ને નમુના!!!)
-
મુથુલક્ષ્મીના પિતા નારાયણ સ્વામી ઐય્યર સ્કૂલના પ્રિન્સિપાલ હતાં. એક દેવદાસી સાથે લગ્ન કરવાને કારણે તેમનો અને તેમના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો. દિકરીને સ્કૂલમાં દાખલો તો મળી ગયો પરંતુ ક્લાસરૂમમાં તેણે પડદો રાખીને જવુ પડતું જેથી છોકરાઓ ઉપર કોઇ "ખરાબ પ્રભાવ" ન પડે. બાદમાં લોકોએ વિરોધ કર્યો કે એક દેવદાસીની પુત્રી કયા અધિકાર સાથે સ્કૂલમાં ભણી શકે? કેટલાક શિક્ષકોએ તો વિરોધમાં નોકરી છોડી દીધી. પરિણામસ્વરૂપ મુથુલક્ષ્મીને સ્કૂલ છોડવી પડી(જરા અંદાજો લગાવો તેમની મનોસ્થિતિનો....). પિતાના સમર્થન વડે બાકીની શિક્ષા ઘરે જ પૂર્ણ કરી. તેમનો હોંસલો જુઓ...તેમણે ચિકિત્સા અધ્યયન કરવાની મનમાં ગાંઠ બાંધી લીધી. પુદુકોટ્ટઇના મહારાજ પાસે ધનરાશિ માંગી. મહારાજ પણ સ્તબ્ધ થઇ ગયા છતાં તેમણે 120 રૂપીયા ડોક્ટરી ભણવા માટે આપ્યા. અહીંથી મુથુલક્ષ્મીએ ઉડાન ભરી.
-
તેઓ મદ્રાસ મેડિકલ કોલેજમાં એડમિશન લેનારા સૌપ્રથમ મહિલા બન્યા. ક્લાસમાં હંમેશા અવ્વલ રહેતા. પ્રોફેસરો ત્યારે ચોંકી ગયા જ્યારે મુથુલક્ષ્મીએ પ્રસુતિવિજ્ઞાન અને સર્જરી વિષયો પસંદ કર્યા. 1912 માં તેઓ પ્રસુતિ વિશેષજ્ઞ બની ગયા. અહીં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો. તેમની બહેન કેન્સરનો શિકાર બની. તે સમયે દેશમાં કેન્સર બાબતે લગભગ કોઇજ જાણકારી નહતી. તેથી તેમણે ઇંગ્લેન્ડમાં કેન્સરના ઇલાજનું પ્રશિક્ષણ લીધું અને મદ્રાસની પ્રથમ કેન્સર હોસ્પીટલ Adyar Cancer Institute ની સ્થાપના કરી કે જે આજે પણ દેશની અગ્રણી કેન્સર હોસ્પિટલ અને સંશોધન સંસ્થાન છે.
-
મુથુલક્ષ્મીએ દેવદાસી પ્રથામાં ધકેલાયેલ છોકરીઓ, અનાથ, નિરાધાર, બેસહારા તેમજ ત્યક્ત્તા મહિલાઓને આશ્રય, શિક્ષા અને સન્માનજનક જીવન પ્રદાન કરવા માટે 'અવ્વાઇ હોમ' નામની એક સંસ્થાની સ્થાપના કરી. સંસ્થા આજે પણ કાર્યરત છે. સરોજીની નાયડુ સાથે સંપર્ક થયો અને રાજનીતિ પ્રભાવના મહત્વને સમજી બ્રિટિશ ભારતમાં વિધાન પરિસદમાં સામેલ થયાં. દેવદાસીઓની મુક્તિ માટે જોરદાર સંઘર્ષ કર્યો અને રાજગોપાલાચારી જેવા વ્યક્તિનો પણ વિરોધ કર્યો. તેમને મુથુલક્ષ્મીએ સ્પષ્ટ સંભળાવી દીધું કે, “તમને કલા અને સંસ્કૃતિને સંરક્ષિત કરવા માટે જો મહિલાઓની જરૂર જ હોય, તો દેવદાસીને બદલે તમારા ઘરની મહિલાઓને કેમ નથી મોકલતાં?” લાંબા અને કઠોર સંઘર્ષને અંતે 5 ડિસે.1947 ને દિવસે મદ્રાસ પ્રેસિડેન્સીએ દેવદાસી પ્રથાને સમાપ્ત કરતો કાયદો પસાર કર્યો.
-
1956 માં તેમને પદ્મ ભૂષણથી સમ્માનિત કરાયા. તામિલનાડુમાં આજે ઘણી સ્વાસ્થ્ય તથા મહિલા ઉત્થાનથી સંબંધિત યોજનાઓ તેમજ કાર્યક્રમો તેમના નામ ઉપરથી છે. આ છે સ્ત્રીસશક્તિકરણની મિસાલ, કુરીતિઓ અને અન્યાય વિરૂધ્ધ બંડનો પોકાર, એક સકારાત્મક લડાઇ સમાજ માટે ન કે પોતાની પ્રસિધ્ધિ માટે.

No comments:
Post a Comment