Wednesday, November 25, 2020

Alien/UFO અને આપણે

 

 


24 જૂન 1947, સિવિલિયન પાયલટ Kenneth Arnold અમેરિકાના વોશિંગ્ટનથી ફ્લાઇટ લઇને 100 માઇલ દૂર માઉન્ટ રેનર નેશનલ પાર્ક જઇ રહ્યાં હતાં. માર્ગમાં તેમણે લગભગ નવ અજીબ વસ્તુઓને શ્રૃંખલાબધ્ધ પ્રકારે ઉડતા જોઇ. આર્મી ઇન્ટેલિજન્સને આપેલ વિવરણમાં આર્નોલ્ડે અનુમાન લગાવ્યુ હતું કે તે ઉડતી વસ્તુઓની ગતિ હજાર-બારસો માઇલ પ્રતિ કલાકથી પણ વધુ હતી, કે જે તે સમયના પરંપરાગત વિમાનોની ઝડપ કરતા વધુ હતી. અહીં નોંધવા લાયક વાત છે કે તેમણે એવું નહોતું કહ્યું કે મેં ઉડતી રકાબી જેવી ચીજને જોઇ. છતાં મીડિયામાં ઉડતી રકાબીના સાક્ષાત્કાર થયાના સમાચારોએ તાંડવ મચાવી દીધું. પાછળથી એમણે ઘણીવાર ખુલાસો કર્યો કે તેમની વાતને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી. આર્નોલ્ડને મળેલ પ્રસિધ્ધિએ ઘણાં લોકોને રાતોરાત લોકપ્રિય થવાનો જાણે ફોર્મ્યુલા પકડાવી દીધો. ત્યારપછી દુનિયાભરમાં લગભગ હરરોજ સેંકડો લોકોને એલિયન યાનોના દર્શન થવા માંડ્યા.  

-

આવા અઢળક કિસ્સાઓ છે. યાદરહે 50 અને 60 નો દાયકો હંમેશા ઉત્સુકતા, રહસ્ય અને રોમાંચના કેન્દ્રસ્થાને રહ્યો. કેમ? કેમકે તે સમય હતો જ્યારે આપણે પહેલી વખત આપણાંજ બનાવેલ મશીનોને પૃથ્વીની બહાર મોકલી રહ્યાં હતાં. બીજા ગ્રહો ઉપર માનવ વસ્તીઓ તથા આધુનિક અંતરિક્ષયાનોની ચર્ચાઓ વડે અખબારોના પાનાઓ હર્યાભર્યા રહેતાં. માનવ ઇતિહાસનો પ્રથમ ઉપગ્રહ "સ્પુતનિક-1", 4 ઓક્ટોબર 1975 ના દિવસે લોન્ચ કરાયો હતો અને તેના બે મહિના માંજ ફક્ત અમેરિકામાં લગભગ 700 થી વધુ લોકોએ આકાશમાં ઉડતી રકાબી જોયાનો દાવો કર્યો.

-

રહસ્યોથી ભરેલ દસ્તાવેજ અને વ્યાખ્યાહીન અલૌકિક ઘટનાઓ માનવીય રોમાંચ અને મનોરંજનના ઇંધણ છે. અહીં મનોવિજ્ઞાનનો બહુ મોટો હાથ છે. પ્રસિધ્ધ વૈજ્ઞાનિક કાર્લ સાગન એક રેસ્ટોરન્ટમાં ભોજન કરી રહ્યાં હતાં અને અચાનક આકાશમાં દેખાતી અજીબો-ગરીબ પ્રકાશિત આકૃતિઓને જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ ગઇ. લોકો તેને એક એલિયન યાન તરીકે વર્ણવી રહ્યાં હતાં. કાર્લ સાગને જ્યારે દૂરબીન વડે તે આકૃતિઓને તપાસી તો ખબર પડી કે તે નવા ચલણમાં આવેલ વિશેષ પ્રકારના આર્મી વિમાનો હતાં. સાગનની ઘોષણા સાથેજ થોડી ક્ષણો પહેલાં રોમાંચિત લોકોના ચહેરા મુંઝાઇ ગયાં. કારણ પુછતા એક જણે જણાવ્યું કે....."વિચાર્યું હતું કે આજે રાત્રિ ભોજન સમયે બાળકોને એલિયન યાન જોયાની કહાની સંભળાવીશ, પણ...."

-

સામાન્યપણે લોકો આવી આકૃતિઓને જોઇને "યુ.એફ.....યુ.એફ." ની બુમરાણ મચાવવા માંડે છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે UFO માં "U" નો અર્થ unidentified થાય છે. અર્થાત તેમની બુમરાણનો અર્થ થાય છે....'મને નથી ખબર તે ઉડતી ચીજ શું છે?' જ્યારે તમને ખબર નથી કે અમુક ચીજ શું છે? તો પ્રથમ જાણવાની કોશિશ તો કરો!! તે ચીજ કંઇપણ હોય શકે છે જેમકે.....મૌસમી ફુગ્ગાઓ, માનવરહિત ડ્રોન, મળસ્કે તેમજ સંધ્યા સમયે દેખાતા કુત્રિમ ઉપગ્રહો, પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા ધુમકેતુ, અપરંપરાગત વિમાનો, ટોહી વિમાનોની સર્ચ લાઇટ, પ્રકાશ ઉત્પન્ન કરતાં કીટકો વગેરે.

-

તો શું બધા લોકો અહીં ખોટા છે? બિલકુલ નહીં. તેઓ તેજ વસ્તુઓનું વર્ણન કરી રહ્યાં છે, જે તેમણે જોઇ છે. ઘણીવાર આપણે એવું જોઇએ જે પ્રથમ દ્રષ્ટિએ અજીબ લાગે પરંતુ મહત્વ વાતનું છે કે આપણે દેખાતી વસ્તુઓને કેટલું જાણીએ છીએ? સ્વાભાવિક છે કે દસ લાખથી વધુ રિપોર્ટ થયેલ કેસમાં બધાની જાંચ-પડતાલ નથી કરી શકાતી. અહીં Percival Lowell નું ઉદાહરણ એક સ્પષ્ટ ચેતવણી છે કે ઘણીવાર બહેતરીન મસ્તિષ્ક પણ ભ્રમનો શિકાર થઇ જાય છે. જેમકે ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ ઉત્સર્જીત કરવાવાળા તારાઓની બીમને વૈજ્ઞાનિકો દ્વારા લાંબા સમય સુધી એક બુદ્ધિમાન સિગ્નલ સમજવામાં આવતું હતું. પરંતુ જેવી ખબર પડી તેને લગતી સઘળી ઉલઝનો દૂર થઇ ગઇ. માનવીય અનુભવો દોષપૂર્ણ છે અને માનસિક ભ્રમ થઇ જવું બેહદ સામાન્ય છે. એટલા માટેજ આપણે સામુહિક વિવેક સાથે તર્કના આધારે સત્યની શોધ કરીએ છીએ. આજ વિજ્ઞાનની રીત અને પરિભાષા પણ છે. મિત્રો!! અહીં કહેવાનો તાત્પર્ય લગીરેય એવો નથી કે પૃથ્વીની બહાર જીવનની સંભાવનાઓ નથી. ના....બ્રહ્માંડમાં જીવનની ભરપૂર સંભાવનાઓ છે પરંતુ એલિયન્સો પૃથ્વી ઉપર આવે છે અને માનવોનો સંપર્ક કરે છે, તેનું એકપણ સાક્ષ્ય આજસુધી પ્રસ્તુત નથી કરાયું કે જે વૈજ્ઞાનિક માનકો ઉપર પણ ખરૂ ઉતરે. યાદરહે....વ્યક્તિગત અનુભવોનું વિજ્ઞાનની દુનિયામાં કોઇજ મહત્વ નથી. એલિયન્સના અસ્તિત્વની પુષ્ટિ માટે આપણને વધુ વિશ્વસનીય સાક્ષ્યોની આવશ્યક્તા છે અને ફોટો એડિટિંગ સોફ્ટવેરની મૌજૂદગીના વર્તમાન યુગમાં સાક્ષ્ય એક ફોટો અથવા વીડિયોથી અધિક હોવું જોઇએ. યાદરહે....વિજ્ઞાન એલિયન્સ સંદર્ભે કરાયેલ પ્રત્યેક દાવાઓની જાંચ-પડતાલ કરવા તો સક્ષમ છે અને તો એટલો સમય છે.