
આપણાંથી 1468 પ્રકાશવર્ષ દૂર, સિગ્નસ નક્ષત્ર-મંડળમાં સ્થિત એક તારો KIC-8462852 છે જેને Tabby's star ના નામે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પણ કોઇ ગ્રહ પોતાના તારાની સામેથી પસાર થાય છે તો તે ગ્રહની છાયાને કારણે તારાની ચમકમાં થોડાં સમય પુરતો ઘટાડો આવી જાય છે. ગુરૂ જેવો વિશાળકાય ગ્રહ પણ પારગમન દરમિયાન સૂર્યની ચમકને લગભગ 1% જેટલી જ ઓછી કરી શકે છે. એક દિવસ જ્યારે વૈજ્ઞાનિકો ટેબી તારાની 2011 માં લેવાયેલ છબીઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં ત્યારે તેમણે નોંધ્યું કે આ તારાની સામેથી કોઇ એવી વસ્તુ પસાર થઇ રહી છે જેણે તેની ચમકને 15% જેટલી ઓછી કરી નાંખી છે. બ્રહ્માંડના અધ્યયન વખતે રોમાંચક પ્રતીત થતી વિસંગતિ પ્રાપ્ત થતાં વૈજ્ઞાનિકો કોઇપણ નિષ્કર્ષ ઉપર ત્યાંસુધી નથી પહોંચતા જ્યાંસુધી તે વિસંગતિનું પુનરાવર્તન નહીં થાય. 2013 માં આ તારાના અધ્યયન વખતે નોંધવામાં આવ્યું કે આ વખતે કોઇક વસ્તુએ તેની ચમક અદભૂતરીતે 22% જેટલી ઘટાડી નાંખી છે.
-
તો આખરે શું કારણ હોય શકે? શું ત્યાં ગુરૂ કરતાં 22 ઘણો મોટો કોઇક ગ્રહ હશે? આ સંભવ નથી કેમકે ગુરૂ સ્વયં તારો બનવામાં નિષ્ફળ રહેલ એક અસફળ ગ્રહ છે. જો ગુરૂનો આકાર થોડો વધુ મોટો હોત તો વધારાના પદાર્થ વડે ઉત્પન્ન પ્રચંડ દબાણના કારણે ગુરૂમાં પણ પરમાણુઓને જોડીને ઉર્જા મુક્ત કરવાવાળી પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોત. સૂર્યમંડળના નિર્માણ સમયે જો ગુરૂ થોડા વધુ પદાર્થને પોતાની તરફ આકર્ષિત કરી શકતે, તો આપણાં સૂર્યમંડળમાં શાયદ એકને બદલે બે સૂર્ય હોત. ટૂંકમાં ગુરૂથી 22 ગણા મોટા ગ્રહની અવધારણાં વ્યવ્હારિક પ્રતીત નથી થતી.
-
કેટલાંક વૈજ્ઞાનિકોએ એવો મત દર્શાવ્યો કે શાયદ કોઇક ગ્રહની અથડામણના કારણે ટેબી તારાની ચમક બાધિત થઇ રહી છે પરંતુ આવું એટલા માટે સંભવ નથી કેમકે અમુક ઘટના એકવાર ન થઇને વારંવાર ઘટિત થઇ રહી હતી. કેટલાંકનું અનુમાન હતું કે શાયદ સૂર્યમંડળના નિર્માણ બાદ સોલાર નેબ્યુલાનો અવશેષ તે તારાના ચક્કર લગાવી રહ્યો છે પરંતુ અધ્યયન અનુસાર ટેબી તારો ખુદ એક વયસ્ક શ્રેણીનો તારો છે. તેથી આ ધારણા પણ વિશ્વસનીય નથી.
-
આ દરમિયાન સ્થિતિ ઓર વધુ રોમાંચક તથા પડકારરૂપ થઇ ગઇ જ્યારે કેટલાંક વૈજ્ઞાનિકોએ રેકોર્ડમાં રાખેલ જૂના ફોટોગ્રાફને ફંફોસવાનું શરૂ કર્યું અને જોયું કે 1890 થી ટેબી તારાની ચમકમાં નિરંતર ઉતાર-ચઢાવ આવી રહ્યાં છે. ઘણાં વૈજ્ઞાનિકોએ અલગ-અલગ રીતે આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરી પરંતુ સઘળા સ્પષ્ટીકરણ તર્કની કસોટી ઉપર ઉંધે માથે પડ્યાં. વિજ્ઞાનમાં એવું ફિલહાલ કંઇપણ નથી જે આ તારાના અજીબોગરીબ વ્યવ્હારની વ્યાખ્યા કરી શકે, ફક્ત એક ચીજ સિવાય. પણ....સમસ્યા એ છે તે ચીજ વિશે કોઇ વાત નથી કરવા માંગતું. કેમ? કેમકે તે કાલ્પનિક હોવાની સાથે પ્રથમ દ્રષ્ટિએ હાસ્યાસ્પદ જેવી પ્રતીત થાય છે પરંતુ સૈદ્ધાંતિક રીતે તે બિલકુલ પણ હાસ્યાસ્પદ નથી. તે છે.....અંતરિક્ષમાં કોઇ તારાની ફરતે બનાવેલ એક વિશાળકાય મશીની માળખું!!! એટલેકે Dyson Sphere(જેની ઉપર ઘણી મુવીઓ બની છે).
-
અમેરિકી વૈજ્ઞાનિક ફ્રીમેન ડાયસને 1959 માં પ્રસ્તાવિત કર્યું હતું કે જેમજેમ એક આધુનિક સભ્યતાનો વિસ્તાર થાય છે તેમતેમ તેની ઉર્જા જરૂરિયાતો વધે છે. સ્વાભાવિક છે કે આ માટે તેમણે પોતાની નજીક મૌજૂદ ઉર્જાના સૌથી સરળ અને સુલભ સ્ત્રોત તારાઓ ઉપર નિર્ભર રહેવું પડશે. ફ્રીમેન આગળ જણાવે છે કે આધુનિક સભ્યતાઓ પોતાના તારાઓને કેદ કરી તેઓની સંપૂર્ણ ઉર્જાને એકત્રિત કરવા માટે તેમની આસપાસ વિશાળકાય મશીની માળખાનું નિર્માણ કરશે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટીના પ્રતિ વર્ગ-ફૂટ હિસ્સાઓ ઉપર સૂર્યની કેટલી ઉર્જા ટકરાય છે. આ ઉર્જાને પૃથ્વીના સંપૂર્ણ ક્ષેત્રફળ વડે ગુણવાથી આપણને ખબર પડી કે પ્રતિ સેકન્ડ લગભગ 1.7X10^17 વોટ સૌર-ઉર્જા પૃથ્વી ઉપર ટકરાય છે. આ ઉર્જા વર્તમાનમાં પૃથ્વી ઉપર મૌજૂદ સઘળા માનવો, મશીનો, ગાડીઓ, મિલિટ્રી તથા ઇન્ડસ્ટ્રિયલ કારખાનાઓની કુલ વાર્ષિક ઉર્જા ખપત કરતાં પણ એક લાખ ઘણી અધિક છે. અર્થાત, વર્તમાનમાં માનવજાતિ એક વર્ષમાં જેટલી ઉર્જાની ખપત કરે છે, તેનાથી એક લાખ ઘણી અધિક ઉર્જા સૂર્ય માત્ર એક સેકન્ડમાં પૃથ્વી ઉપર વરસાવે છે કે જે વાપર્યા વિનાની વ્યર્થ થઇ જાય છે.
-
અગર આપણે પૃથ્વી ઉપર પ્રતિ વર્ગ ફૂટ એરિયામાં પડનારી સૂર્યની ઉર્જાને સૂર્યના ક્ષેત્રફળ સાથે ગુણાકાર કરીએ તો જવાબ મળે છે કે સૂર્ય હર સેકન્ડ લગભગ 3.86X10^26 વોટ ઉર્જા ઉત્પન્ન કરે છે કે જે આપણી વર્તમાન વાર્ષિક ઉર્જા જરૂરિયાતથી લગભગ 100 અબજ ગણી વધુ છે. જરા વિચારો, જો સૂર્યની સંપૂર્ણ ઉર્જા કોઇક સભ્યતા હાંસિલ કરી લે તો તે સભ્યતા શું-શું ન કરી શકે? તે સભ્યતા માટે અમરતા પ્રાપ્ત કરવી, સંપૂર્ણ આકાશગંગામાં વસ્તિઓ સ્થાપિત કરવી તથા પ્રકાશગતિએ સફર કરવું વગેરે મામૂલી વાતો હશે. તો આખરે કઇરીતે સૂર્યની સંપૂર્ણ ઉર્જાને કેદ કરી તેનો ઉપયોગ કરી શકાય છે? ફ્રીમેને આ માટે એવા વિશાળકાય ખોખલા તથા ગોળ માળખાઓના નિર્માણની વાત કહી હતી, જેની ભીતર સૂર્યને કેદ કરી શકાય. પરંતુ શું આવું નિર્માણ કરવું સંભવ છે? સંક્ષિપ્ત ઉત્તર છે....નહીં. કેમ? વાંચો આગળ....
-
જો સૂર્યથી એક એસ્ટ્રોનોમિકલ યૂનિટના અંતરે આવા કોઇ માળખાનું નિર્માણ કરવામાં આવે તો તેની માત્ર સપાટીનું ક્ષેત્રફળ લગભગ 2.27X10^17 વર્ગ કિલોમીટર હશે કે જે પૃથ્વીની સપાટીના ક્ષેત્રફળ કરતાં લગભગ 60 કરોડ ગણુ અધિક છે. સૂર્યમંડળના સઘળા ગ્રહોને તોડીને પણ આટલો કાચો માલ પ્રાપ્ત નહીં થઇ શકે. આ સિવાય સૂર્યની ફરતે બનેલ આટલા વિશાળ આકારનો કોઇપણ ગોળો બેહદ અસ્થિર હશે. ગોળાની સુરક્ષા માટે આવશ્યક હશે કે તેની આંતરિક સપાટીનું પ્રત્યેક બિંદુ સૂર્યથી એકસમાન અંતરે હોય. કોઇ નાના ધૂમકેતુ કે લઘુગ્રહનો ટકરાવ પણ ગોળાને અસ્થિર કરી ભીષણ પરિણામ આપવા સક્ષમ હશે. તો શું ડાયસન સ્ફિઅર એક અવ્યવ્હારિક તેમજ કચરાપેટીમાં ફેંકી દેવા જેવી યોજના છે? જી નહીં, એવું કહેવું ઉતાવળભર્યું છે.
-
જો આપણે ડાયસન સ્ફિઅરના માળખામાં એક મામૂલી બદલાવ કરી નાંખીએ તો સઘળી યોજના સ્થિર અને વ્યવ્હારિક પ્રતીત થાય છે. એ બદલાવ છે.....સૂર્યને ઢાંકવાવાળું આપણું મશીની માળખું એક ઠોસ ગોળ સંરચનાને બદલે અનેક ટૂંકડાઓમાં વહેંચાયેલું હશે. સરળ ભાષામાં કહીએ તો સૂર્યની ચારેતરફ એક મશીની ગોળો બનાવવાને બદલે આપણે આર્ટિફીશિયલ સેટેલાઇટની મદદ વડે સૌરઉર્જા શોષવાની કોશિશ કરવી જોઇએ. આ અબજો મશીની ટુકડાઓથી બનેલ એક એવી જાળરૂપી સંરચના હશે, જેના અંતર્ગત અબજો સોલર પાવર કલેક્ટર સૂર્યની ચારેતરફ ફરતા રહી સૌરઉર્જાને શોષી લેશે. ડાયસન સ્ફિઅરના આ સંશોધિત અને વ્યવ્હારિક પ્રારૂપને ડાયસન સ્વાર્મ(Dyson Swarm) કહે છે.
-
જો આપણે ડાયસન સ્વાર્મ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક કુરબાની આપવી પડશે અને એ કુરબાની છે.......બુધ ગ્રહની કુરબાની.
-
જી, આપે સાચું સાંભળ્યું બુધ ગ્રહની કુરબાની. પરંતુ બુધ ગ્રહની જ કેમ? એટલા માટે કેમકે બુધ ગ્રહ 30% સિલિકેટ તથા 70% અન્ય ધાતુ જેવી કે લોખંડ, ઓક્સાઇડ વગેરેથી બનેલો છે. આ ધાતુઓ વડે સોલર રિફ્લેક્ટર સહિત અન્ય મશીની ભાગોનું નિર્માણ પ્રચુર માત્રામાં થઇ શકે છે. આ રીતે સૂર્યથી નજીક હોવાના અને કાચા માલનો ગોદામ હોવાના કારણે બુધ ડાયસન સ્વાર્મ ફેક્ટરી સ્થાપિત કરવા માટેનું આદર્શ સ્થળ છે. બીજું કારણ....તેની ગ્રેવિટિ પૃથ્વીની તુલનાએ કમજોર હોવાથી સોલાર પેનલને સૂર્યની કક્ષામાં લોન્ચ કરવું વધુ સરળ છે.
-
આ માટેના બીજા ઘણાં પેરામીટરો છે, જેની ચર્ચા પોષ્ટને લંબાવી દેશે. માટે તેમને સ્કિપ કરી ટૂંકમાં એક બે વસ્તુની માહિતી મેળવી લઇએ. જેમકે.....આપણાં ડાયસન સ્વાર્મની ત્રિજ્યા 5.79X10^10 મીટર અને સપાટીનું ક્ષેત્રફળ 4.21X10^22 વર્ગમીટર હશે. આ અભિયાન માટે આપણે સૂર્યની કક્ષામાં લગભગ ત્રીસ લાખ અબજ જેટલાં સોલાર પેનલ્સ સ્થાપિત કરવા પડશે. આ સઘળું કાર્ય નેનો રોબોટની મદદ વડે થશે વગેરે વગેરે.
-
બ્રહ્માંડના મૂળભૂત નિયમો ના આપણે બદલી શકીએ છીએ ના કોઇ અન્ય એલિયન સભ્યતા. જો આ પ્રકારનું કોઇ માળખું ભવિષ્યમાં આપણાં અથવા કોઇક એલિયન દ્વારા બનાવવામાં આવે અથવા તો ભૂતકાળમાં જો કોઇએ બનાવ્યું હોય તો એક વાત નિશ્ચિત છે કે આ માળખું જો સૌરઉર્જાનું અવશોષણ કરશે તો કોઇ ન કોઇ સ્વરૂપે ઉર્જાને મુક્ત પણ કરશે. ઉર્જાનું આ ઉત્સર્જન "ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ" માં હશે. તો અન્ય સૂર્યમંડળોને ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમમાં સ્કેન કરી અત્યાધુનિક એલિયન સભ્યતાઓના ચિન્હો શોધી શકાય છે.
-
તો શું ટેબી સ્ટારની આસપાસ કોઇ મશીની માળખાના ઇન્ફ્રારેડ સિગ્નેચર આપણને મળ્યાં છે? જી નહીં. લેટેસ્ટ આંકડાઓ અનુસાર, ટેબી સ્ટારની ચમક ઓછી થવા દરમિયાન લાલની તુલનાએ ભૂરી વેવલેન્થની હાજરી મળી. જે એ વાતનું મજબૂત સાક્ષ્ય છે કે આ તારાની ચમકને ઓછી કરનારી વસ્તુ કોઇ ઠોસ પદાર્થ વડે તો નથી બની. તો આખરે શું કારણ હશે તેની પાછળ? ફિલહાલ તો ખબર નથી માટે આ તારો આજે પણ એક રહસ્ય બનેલ છે. આપણે ભૂતકાળમાં ઘણાં રહસ્યોની માયાજાળને ધ્વસ્ત કરી છે. તો આ રહસ્યની ચાવી પણ જલ્દીથી શોધી લઇશું.
(મિત્ર વિજય દ્વારા)
No comments:
Post a Comment