માનવ શરીરનું તાપમાન 37 ℃ જ કેમ છે? વધુ
કે ઓછું હોય તો શું થાય? આ તાપમાનમાં કંઇક ખાસ છે? ચાલો જોઇએ.....તમે જો કોઇ મૃત માનવ શરીરને સ્પર્શ
કર્યો હશે તો તમને અંદાજો હશે જ કે મૃત શરીર જીવિત શરીરની તુલનાએ ઠંડુ હોય છે. કારણ?
કેમકે જીવિત શરીર ભોજન દ્વારા પ્રાપ્ત ઉર્જા વડે નિરંતર 37 ડીગ્રી ગરમ રહે છે. મૃત્યુ
બાદ શરીરની બાયોલોજીકલ મશીનરી ઠપ્પ થઇ જાય છે અને શરીરનું તાપમાન ઘટતા લાશ ઠંડી પડી
જાય છે. કેટલી ઠંડી? રૂમ ટેમ્પરેચર જેટલી.
-
પૃથ્વી ઉપર મળનારા cold blooded(ઠંડા લોહીવાળા) જીવો જેમકે ગરોળી, મગર, દેડકાં, સાપ વગેરેઓ ઠંડા લોહીવાળા હોવાથી તેમને પોતાના શરીરના તાપમાનને નિયંત્રિત કરવાની કોઇ આવશ્યકતા નથી હોતી. જેના કારણે તે જીવો એક વખત ભોજન કર્યા બાદ ઘણાં દિવસો સુધી ભોજન વિના આરામથી જીવિત રહી શકે છે. પરંતુ આપણે સ્તનધારી જીવો warm blooded(ગરમ લોહીવાળા) હોવાથી આપણાં શરીરનું તાપમાન ગરમ રાખવા માટે નિરંતર ઉર્જા પ્રાપ્તિ માટે આપણને નિયમિત ભોજનની આવશ્યકતા રહે છે.
-
તો આપણાં શરીરનું તાપમાન 37 ડીગ્રી જ શા માટે છે? જવાબ છે ફૂગ(Fungi). જી હાં, આ એજ ફૂગ છે જે ખુલ્લા રખાયેલ ભોજન ઉપર જામી જાય છે. ફૂગની લગભગ 99000 જાતો પૃથ્વી ઉપર જોવા મળે છે. ફૂગ મુખ્યત્વે જીવિત અથવા મૃત કાર્બનિક પદાર્થોને વિઘટિત કરી પોષક પદાર્થોને પાછા વાતાવરણમાં ઉત્સર્જીત કરે છે અને આ પ્રક્રિયા દ્વારા ભોજન પ્રાપ્ત કરે છે. હજારો પ્રકારની ફૂગ પરજીવી હોવાના કારણે જાનવરોના શરીર તથા મહત્વપૂર્ણ અંગોને ગંભીરરૂપે સંક્રમિત કરે છે. આ ફૂગ જળ, જમીન, વાતાવરણ હર જગ્યાએ મૌજૂદ છે. તો તે આપણને કોઇ ખાસ નુકસાન કેમ નથી પહોંચાડતી? જવાબ છે આપણાં શરીરનું તાપમાન!!
-
ફૂગના સંક્રમણનો ખતરો તાપમાન વધવાની સાથે ઓછો થઇ જાય છે. વૈજ્ઞાનિકો અનુસાર 99.9% ફૂગ પ્રજાતિઓના સંક્રમણથી સુરક્ષિત રહેવા માટેનું આદર્શ તાપમાન છે 36.7 ડીગ્રી. આથી વધુ તાપમાન શરીર માટે અનાવશ્યક છે. કેમકે વધુ તાપમાને શરીરનો ઉર્જા વ્યય અને ભોજનની નિરંતર આવશ્યકતા ઘણી વધી જવા પામે. એટલામાટે "ન્યૂનતમ ઉર્જા વ્યય સાથે અધિકતર ફૂગોથી સુરક્ષા" ના ધોરણે 37 ડીગ્રી તાપમાન શરીર માટે આદર્શ છે. આજ કારણ છે કે સરીસૃપ તથા મત્સવર્ગોના જીવો હજારો પ્રકારની ફૂગથી રોગગ્રસ્ત થઇને પીડિત રહે છે. જ્યારે મનુષ્યોની બાબતે ફૂગની કેટલીક પ્રજાતિઓજ આપણને પરેશાન કરવામાં તથા 'દરાજ' જેવા મામૂલી ચર્મરોગ આપવામાં જ સક્ષમ છે.
(મિત્ર વિજય દ્વારા)

No comments:
Post a Comment