Wednesday, January 28, 2026

બાળ સાહિત્ય(ભાગ-1)

 



 

એક ઢીંગલી જેવી દેખાતી અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 'ફલક'ના માસી લંડનથી તેના ઘરે પધાર્યા. ફલકને જલસો પડી ગયો કેમકે રોજ નવીન ચોકલેટો તેને ખાવા મળતી. ઘરે સંબંધીઓની અવરજવર પણ વધી ગઇ. પરંતુ!! સમય દરમિયાન ફલકને એક શબ્દ વારંવાર લોકો તરફથી સાંભળવા મળ્યો કે.....યુ.કે.(U.K.) ની ચોકલેટો લાજવાબ હોય છે. ફલકે મૂંઝાઇને માસીને પૂછ્યું કે, તમે તો લંડન રહો છો અને લંડન તો ઇંગ્લેન્ડની રાજધાની છે, તો પછી યુ.કે. શું છે?

-

માસી ફલકના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, આવ બેટા તને સમજાવું.....ઘણા માને છે કે દુબઇની જેમ લંડન પણ પોતે એક દેશ છે પરંતુ સાચું નથી. હકિકતે લંડન ઇંગ્લેન્ડની રાજધાની હોવાની સાથે અન્ય ચાર દેશની પણ રાજધાની છે. હેં!!!! ફલક બોલી ઉઠી, આવું કઇરીતે? જો બેટા....કેટલાક લોકોને ઇંગ્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને ગ્રેટ બ્રિટન વિશે પણ મૂંઝવણ રહે છે. દરઅસલ ગ્રેટ બ્રિટન ત્રણ દેશોનો સમૂહ છે જેની રાજધાની લંડન છે. ત્રણ દેશો છે: (1) ઇંગ્લેન્ડ (2) સ્કોટલેન્ડ (3) વેલ્સ.

-

હવે જ્યારે આપણે ઉત્તરીય આયર્લેન્ડનો પણ ત્રણ દેશોમાં સમાવેશ કરી દઇએ ત્યારે તે ચાર દેશનો સમૂહ યુનાઇટેડ કિંગડમ(યુ.કે.) બની જાય છે(જો ઉપરનું ચિત્ર). (1) ઇંગ્લેન્ડ (2) સ્કોટલેન્ડ (3) વેલ્સ (4) ઉત્તરીય આયર્લેન્ડ. ચારેયને સામૂહિક રીતે એક દેશ માનવામાં આવે છે, જેની રાજધાની લંડન છે અને હા ચારેય દેશોની પાછી પોતાની અલગ રાજધાની પણ છે. સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગ, વેલ્સની કાર્ડિફ, ઉત્તરી આયર્લેન્ડની બેલફાસ્ટ અને ઇંગ્લેન્ડની લંડન છે. અરે,,એક ચોખવટ કરવાનું તો હું ભૂલી ગઇ. ઉત્તરીય આયર્લેન્ડ સમગ્ર આયર્લેન્ડ દેશનો કેટલોક ભાગ છે. સમગ્ર આયર્લેન્ડ દેશની રાજધાની પાછી ડબલિન છે.

-

વધુમાં, ઈંગ્લેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ તેમના સત્તાવાર ચલણ તરીકે "પાઉન્ડ" નો ઉપયોગ કરે છે જ્યારે સ્કોટલેન્ડ "પાઉન્ડ સ્ટર્લિંગ" નો ઉપયોગ કરે છે. પાઉન્ડ અને પાઉન્ડ સ્ટર્લિંગ બંનેનું મૂલ્ય સમાન છે પરંતુ તેમની છાપણી અલગ હોય છે. ઠીક, હવે મને સઘળી વાત સમજાઇ કહીને ફલક પોતાની માસીને પ્રેમથી ભેટી પડી.

 


Saturday, January 17, 2026

Fingerprint

 



 

શું બે વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ્સ સમાન હોઈ શકે? ચાલો ચર્ચા કરીએ...

-

ફિંગરપ્રિન્ટ્સ દરઅસલ કેટલીક ઉપસેલી અને કેટલીક દબાયેલ રેખાઓથી બનેલ હોય છે. આ રેખાઓને Friction Ridges કહેવામાં આવે છે. આ આપણી ત્વચાના સૌથી બહારના સ્તર epidermis અને તેની નીચેના સ્તર dermis ના ઉતાર-ચઢાવને કારણે બને છે. આ રેખાઓ ગર્ભાવસ્થાના ૧૨ થી ૧૫ અઠવાડિયા વચ્ચે બને છે. આ રેખાઓ આપણી પકડને મજબૂત બનાવે છે અને સ્પંદનો તથા સંવેદનાઓને બહેતર રીતે મહેસૂસ કરવા માટે ચેતાતંત્રને આધાર પ્રદાન કરે છે.

-

ફિંગરપ્રિન્ટ્સના ત્રણ મુખ્ય પ્રકારો હોય છે: Loops, Whorls અને Arches. આને વધુ નાના પ્રકારોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેને વિવિધ લાક્ષણિકતાઓના આધારે પાછા અન્ય પ્રકારોમાં વિભાજિત કરાયા છે. દુનિયાના દરેક વ્યક્તિમાં આ ફિંગરપ્રિન્ટ્સ એકબીજાથી અલગ હોય છે. બે ફિંગરપ્રિન્ટ્સ વચ્ચે કેટલાક મોટા, કેટલાક સૂક્ષ્મ તો કેટલાક અતિ-સૂક્ષ્મ તફાવતો હોય છે.

-

ફિંગરપ્રિન્ટ્સ આનુવંશિક હોય છે એટલે કે વ્યક્તિમાં રેખાઓનું નિર્માણ ચોક્કસ જનીનો(genes) દ્વારા નિયંત્રિત થાય છે. ફિંગરપ્રિન્ટ્સ આનુવંશિક સામગ્રી દ્વારા માતાપિતાથી આવનાર પેઢીમાં જાય છે. સંતાનના ફિંગરપ્રિન્ટ્સ તેમના માતાપિતા સાથે થોડી સામ્યતા ધરાવે છે પરંતુ સંપૂર્ણપણે તો કોઇ સાથે નહીં ઇવન કે જોડિયા ભાઇ-બહેનો સાથે પણ નહીં. એવું કેમ? કેમકે....ગર્ભાવસ્થાના વાતાવરણના ઘણા પરિબળો ફિંગરપ્રિન્ટ્સની રચનાને પ્રભાવિત કરે છે. જેમકે....amniotic fluid નો દબાવ, પોષણ, હોર્મોન્સ, ભ્રૂણની સ્થિતિ, રેન્ડમ સેલ્યુલર ઘટનાઓ વગેરે. ઘટનાઓ પર કોઇનું નિયંત્રણ નથી હોતું.

-

બીજું, શું કોઇ વ્યક્તિના મૃત્યુ બાદ અથવા તેની કપાયેલ આંગળી વડે પણ બાયોમેટ્રિક થઇ શકે? જવાબ છે...નહીં કેમકે આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ કેવળ ફિંગરપ્રિન્ટને નહીં પરંતુ આંગળીનું તાપમાન, તેમાંથી વહેતા રક્તપ્રવાહ, તેની કોષિકાઓમાં મૌજૂદ ઓક્સિજનનું સ્તર, electric impulse વગેરેને પણ સેન્સ કરે છે.