
અગાઉની શ્રેણીમાં આપણે જોઇ ગયા કે.....વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચેતના સ્પેસ-ટાઇમમાં વ્યક્ત મેથેમેટિકલ પેટર્ન્સનો એક સંગ્રહ માત્ર છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું આ મેથેમેટિકલ પેટર્ન્સને ડિકોડ તથા અપલોડ કરી કોઇ મશીનને ચેતનવંતુ બનાવી શકાય? આ પ્રશ્ન એકવીસમી સદીમાં વૈજ્ઞાનિકો સમક્ષ મૌજૂદ પડકારોમાં પ્રમુખ સ્થાન ધરાવે છે. આ પ્રશ્નના સાચા જવાબમાં આત્મા અને ચેતના વિષે સદીઓથી ચાલી આવતી ધાર્મિક માન્યતાઓ તથા વ્યક્તિગત વિશ્વાસોને ધ્વસ્ત કરવાની ક્ષમતા છે.
-
****The Language of Memory, Patterns & Thoughts****
શરૂઆત એક નાનકડા પ્રયોગ વડે કરીએ....અંગ્રેજી મૂળાક્ષરો(વર્ણમાળા) તમને અવશ્ય યાદ હશે. A થી Z સુધીના તમામ 26 મૂળાક્ષરોના ઉચ્ચારણ તમે એકી શ્વાસે કરી નાંખશો, પરંતુ તે જ મૂળાક્ષરોને ઉલ્ટા ક્રમમાં એટલેકે Z થી A સુધી બોલવાનું કહ્યું હોય તો?? ભલે બંન્નેનો ડેટા એકસમાન હો, પરંતુ ઉલ્ટા ક્રમમાં દોહરાવવું લગભગ નામુમકિન છે(અગર ખુબ પ્રેક્ટિસ કરી હોય તો અલગ વાત છે). કેમ? કેમકે આપણું મગજ કોઇપણ જાણકારીને સીકવન્સમાં સ્ટોર કરે છે અને આપણે ત્યારબાદ તે ડેટાને એજ ક્રમમાં ફરી પ્રાપ્ત કરી શકીએ છીએ કે જે ક્રમમાં તેને સ્ટોર કરાયો હતો.
-
હવે યાદ કરવાની કોશિશ કરો કે આજે ઘરથી ઓફિસ જતાં તમે શું શું જોયું? શું બધુ આપને યાદ છે? શું આપને યાદ છે કે લાસ્ટ ટાઇમ હોટલ-રેસ્ટોરન્ટમાં તમને ભોજન પીરસનાર વેઇટર કેવો દેખાતો હતો? તેણે કયા કલરના કપડા પહેર્યા હતાં? અહીં કહેવાનું તાત્પર્ય એટલુંજ છે કે આપણાં મગજની સંગ્રહ ક્ષમતા ખુબજ ઓછી છે. જે વસ્તુ આપણાં માટે જરૂરી નથી, મગજ તેને લગભગ 30 સેકન્ડની અંદર ભૂલી જાય છે. આપણને બસ તે જ વસ્તુઓ યાદ રહી જાય છે જે ક્યાં તો આપણાં માટે જરૂરી છે અથવા તો જેના સંપર્કમાં આપણે વારંવાર આવીએ છીએ.
-
આગળ વધતા પહેલા એક ઉદાહરણ જોઇ લઇએ.....કોઇપણ લખાણના એક શબ્દ ઉપર ફોકસ કરો અને નજર હટાવ્યા વિના આસપાસ મૌજૂદ શબ્દોને વાંચવાની કોશિશ કરો. તમને ફક્ત કેટલાક ધૂંધળા શબ્દો જ દેખાશે. જેને વાંચવું તમારા માટે સંભવ નથી. જનરલી આપણને લાગે છે કે આપણે આંખો વડે દુનિયાને હાઇ-ડેફિનેશન વીડિઓ મોડમાં જોઇએ છીએ, કે જે સાચું નથી. વાસ્તવમાં આપણે કોઇપણ દ્રશ્યના ફક્ત બે ડિગ્રી રિઝોલ્યૂશન ક્ષેત્રને જ સ્પષ્ટરૂપે જોઇ શકવા માટે સક્ષમ છીએ. વિઝનના સૌથી સ્પષ્ટ, આ બે ડિગ્રીના હિસ્સાને ફોવિયલ રિઝોલ્યૂશન કહે છે. તો અગર આપણે વિઝનના માત્ર બે પ્રતિશત હિસ્સાને જ જો સ્પષ્ટરૂપે જોઇ શકવા માટે સક્ષમ છીએ, તો બાકીના વિઝનમાં આપણને શું દેખાય છે? જવાબ છે....ધૂંધળી જાણકારીઓથી ભરપુર અનુમાનોનો સંગ્રહ.
-
પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલ નેચરમાં છપાયેલ એક શોધમાં ડોક્ટર ફ્રેન્ક વર્બ્લિન(Frank Werblin) તથા તેમની ટીમે દર્શાવ્યું કે આપણાં મગજ અને ઓપ્ટિક નર્વની વચ્ચે લગભગ 12 ચેનલ હોય છે(જુઓ મુખ્ય ઇમેજ). પ્રત્યેક ચેનલ દ્રશ્યથી સંબંધિત બેહદ ભ્રામક અને અસ્પષ્ટ જાણકારીઓ મગજ સુધી પહોંચાડે છે. જેમકે, પ્રથમ ચેનલ દ્રશ્યમાં મૌજૂદ વસ્તુઓના ઉભાર અને ધાર-ખૂણા(ridges & edges) વિષે, બીજી ચેનલ દ્રશ્યમાં દેખાતા એકજેવા રંગો બાબતે, તો ત્રીજું ચેનલ વસ્તુઓ પાછળ મૌજૂદ બેકગ્રાઉન્ડ વિષે થોડીઘણી જાણકારી મગજ સુધી પહોંચાડે છે. આ સઘળી ચેનલોથી પ્રાપ્ત જાણકારીને ક્રમમાં પોરવી આપણું મગજ આપણી સામે દ્રશ્ય હાજર કરે છે. આ રીતે કોઇપણ દ્રશ્યમાં બે ડિગ્રી ફોવિયલ રિઝોલ્યૂશન સિવાયનું સઘળુ દ્રશ્ય મગજ દ્વારા દેખાડવામાં આવતા અનુમાન માત્ર હોય છે. જોકે આપણી આંખો નિરંતર ફરતી રહે છે માટે આપણે આ વિચલિત કરનારા સત્યથી વેગળા રહીએ છીએ.
-
ઉપરોક્ત ઉદાહરણો એ સમજાવવા માટે આપવામાં આવ્યા છે કે આપણી દ્રશ્યથી સંબંધિત જાણકારીઓ મૂળભૂત રૂપે જ્યોમેટ્રિક સ્વરૂપમાં હોય છે. જેમકે આપણે જ્યારે કોઇક ને જોઇ રહ્યાં હોઇએ છીએ, તો વાસ્તવમાં આપણે તેના ચહેરાના આંખ, કાન, નાક અથવા હોઠ વગેરેની સ્વતંત્ર રેખાકૃતિઓ જોઇ રહ્યાં હોઇએ છીએ. જેમને આપસમાં જ્યોમેટ્રિકલ પેટર્નના રૂપમાં જોડી મગજ તેમને સ્ટોર કરે છે. આપણે એક સમયમાં સંપૂર્ણ ચહેરો નથી જોતાં. આજ કારણ છે કે ક્રાઇમ એક્સપર્ટ સ્કેચ બનાવતી વખતે લોકો પાસે અપરાધીના દેખાવ પુછવા કરતાં તેમને આંખ, નાક, કાન વગેરેની તસવીરોના અલગ-અલગ સેટ બતાવી અપરાધીનો સ્કેચ બનાવવાની કોશિશ કરે છે.
-
APPL_. આ શબ્દમાં ભલે છેલ્લો અક્ષર ગેરહાજર હો, છતાં આપણાં મગજમાં APPLE શબ્દ ઉભરી આવે છે. કેમ? એટલા માટે કેમકે મગજ હર સમય, હર પળ ઉપલબ્ધ ડેટાના આધારે પુર્વાનુમાન લગાવવાની કોશિશ કરતું રહેતું હોય છે. આજ કારણ છે કે તમે ગમે તેટલી કોશિશ કરો, ભવિષ્યની ચિંતાઓથી મુક્ત થવું બેહદ અસાધ્ય પ્રતીત થાય છે. મગજમાં પેટર્નની પ્રોસેસીંગનું કાર્ય ખુબજ જટિલ રીતે થાય છે. ઉદાહરણ તરીકે....કોઇપણ ન્યૂરોનને ફાયર કરવા માટે ન્યૂનતમ -70 મિલીવોલ્ટ ચાર્જની આવશ્યકતા હોય છે. ફાયર થતાંજ કોષિકામાં મૌજૂદ સોડિયમના દ્વાર ખુલવા માંડે છે વગેરે. વિષયને કલિષ્ટ થતો બચાવવા આપણે આ મુદ્દાને અહીં સ્કીપ કરી આગળ વધીએ.
-
*********Human Brain v/s Computer*********
-
શું મગજ કમ્પ્યુટરની જેમ કાર્ય કરે છે? જી નહીં. કમ સે કમ આધુનિક ડિજીટલ કમ્પ્યુટરની જેમ તો બિલકુલ નહીં. મગજમાં ન્યૂરોન્સ યા તો ફાયર કરે છે અથવા નહીં. મગજમાં ડેટા સ્ટોરેજની પધ્ધતિ આધુનિક કમ્પ્યુટરથી બિલકુલ વિપરિત છે. જ્યાં કમ્પ્યુટર સૂચનાને 0 તથા 1 અંકમાં પરિવર્તિત કરી બાઇનરી ભાષામાં સ્ટોર કરે છે, ત્યાં આપણું મગજ ડેટાને જૂની પધ્ધતિ એનાલોગ(Analog) સ્વરૂપે સ્ટોર કરે છે. અર્થાત ડેટાને ઇલેક્ટ્રોકેમિકલ સિગ્નલમાં ફેરવી સ્ટોર કરે છે. જો આપ એનાલોગ પધ્ધતિથી વાકેફ હશો તો જાણતા જ હશો કે જૂના જમાનાના ગ્રામોફોન અથવા ટેપ રેકોર્ડરમાં સુરક્ષિત કરાયેલ ડેટા સમય જતાં નષ્ટ પામે છે. એજ પ્રમાણે મગજમાં સંગ્રહિત આપણી એનાલોગ યાદો પણ સમય સાથે ક્ષીણ થતી જાય છે.
-
આ સિવાય આધુનિક કમ્પ્યુટરની તુલનાએ આપણાં મગજની સ્મૃતિસંગ્રહ(memory capacity) ની ક્ષમતા લગભગ શૂન્ય કહી શકાય. અગાઉ જોઇ ગયા તેમ આપણું મગજ નિમ્ન સ્તરના ડેટા ઇનપુટ(રેખાકૃતિઓ અથવા જ્યોમેટ્રિકલ સ્વરૂપ) ને જોડીને આપણી આંખોને એક ખુબસુરત રંગીન દુનિયાનો એહસાસ કરાવે છે. પણ....આપણું મગજ આ ખુબસુરત દુનિયાની યાદો ફોટો, વીડિઓ અથવા સાઉન્ડ રેકોર્ડિંગના રૂપમાં સુરક્ષિત નથી કરતું. તો કયા સ્વરૂપે કરે છે? એજ સ્વરૂપે જે સ્વરૂપમાં તેને ડેટા પ્રાપ્ત થાય છે, અર્થાત રેખાકૃતિઓ તથા જ્યોમેટ્રિકલ સ્વરૂપે. આજ કારણ છે કે કમ્પ્યુટરની RAM(Random Access Memory) ની જેમજ નિયો-કોર્ટેક્ષમાં મૌજૂદ અનુભવ સ્થાઇ નથી હોતાં. જેમજેમ મગજને નવા ડેટા પ્રાપ્ત થતા રહે છે, તેમતેમ મગજ નવી જાણકારીઓને પુરાણી જાણકારી ઉપર "over-write" કરતું જાય છે. આપણાં અનુભવોથી જોડાયેલ એજ જાણકારીઓ મગજના સ્થાઇ સ્મૃતિ કેન્દ્ર એટલેકે હિપ્પોકેમ્પસમાં રવાના કરાય છે જે યા તો આપણી સાથે વારંવાર થતી ઘટનાઓથી સંબંધિત હો, અથવા તો આપણાં સર્વાઇવલ માટે આવશ્યક હો.
-
મગજ અને કોમ્પ્યુટરમાં સૌથી મોટો ફરક એ છે કે આપણું મગજ, કોમ્પ્યુટરની તુલનાએ બેહદ ધીમું છે. આધુનિક કોમ્પ્યુટર જ્યાં પ્રતિ સેકન્ડ અબજો બાઇનરી ઓપરેશનને ન્યાય આપી શકે છે, ત્યાં આપણું મગજ એક સેકન્ડમાં અધિકતમ 100-1000 ઓપરેશનને જ ન્યાય આપી શકે છે. સાથેસાથે ન્યૂરોન્સના સિગ્નલ અધિકતમ 100 મીટર/સેકન્ડની ઝડપે જ શરીરમાં દોડી શકે છે. તો પછી સવાલ એ ઉઠે છે કે મગજ ધીમી પ્રોસેસિંગની સમસ્યાનો નિવેડો કઇરીતે લાવે છે? જવાબ છે.....1000 અબજ સિનેપ્સિસ!!! જેની ચર્ચા આપણે આગળની શ્રેણીના પ્રથમ ભાગમાં જોઇ ગયા. તો કમ્પ્યુટરની ભીતર ચેતના ઉત્પન્ન કરવા પાછળનો બેસિક આઇડિયા એ છે કે આ અબજો કનેક્શનના જાળને કોપી કરી, તેને અલ્ગોરિધમની ભાષામાં ઢાળી કોઇ સુપર કોમ્પ્યુટરમાં અપલોડ કરી નાંખવું. હવે આવું કરવું કઇરીતે? ચાલો સમજીએ.....
-
*********Brain Uploads*********
મગજને અપલોડ કરવા માટે બે પ્રકારના નકશાઓની જરૂર પડશે:- સ્થાન સંબંધી નકશો(Spatial Map) અને સમય સંબંધી નકશો(Temporal Map). આને આ રીતે સમજો કે અગર આપણાં મગજની તુલના કોઇ શહેર સાથે કરવામા આવે તો આપણને શહેરની સડકોના નકશા ની સાથેસાથે સડકો ઉપર કેટલી ગાડીઓ છે, કેટલી ઝડપે તેઓ ચાલી રહી છે, કઇ ગાડી ક્યારે-ક્યાં ટર્ન લઇ રહી છે વગેરે જેવી જાણકારીઓની પણ જરૂર પડશે. બિલકુલ આજ પ્રમાણે ફક્ત ન્યૂરોન્સના ચિત્ર લઇ લેવાથી કામ પુરૂ નથી થઇ જતું, જો આપણે સ્વબોધથી યુક્ત વ્યક્તિગત ચેતનાને અપલોડ કરવું હોય તો એ જાણવું જરૂરી છે કે વિભિન્ન પરિસ્થિતિઓમાં ન્યૂરોન્સ કેવા ક્રમમાં ફાયરિંગ કરે છે? ન્યૂરોનનો સામાન્ય આકાર 0.004 થી લઇને 0.1 મિલિમીટર તથા એક સેકન્ડમાં ફાયરિંગની ક્ષમતા 200 થી 1000 હોય છે. એટલેકે ન્યૂરોન એક ફાયરિંગમાં 1 થી 5 મિલિસેકન્ડ જેટલો સમય લે છે. માટે ન્યૂરોનના આકાર ઉપર ચાલી રહેલ ગતિવિધિઓને જોવા માટે આપણને એવી ટેકનિક જોઇએ, જેનું સ્થાન સંબંધી રિઝોલ્યૂશન કમ સે કમ 0.1 મિલિમીટર તથા સમય સંબંધી રિઝોલ્યૂશન 1 મિલિસેકન્ડ હોય.
-
વર્તમાનમાં બ્રેન મેપિંગ માટે fMRI તથા MEG ટેકનિકનો પ્રયોગ કરાય છે. fMRI ટેકનિકનું સ્થાનિક રિઝોલ્યૂશન એક થી ત્રણ મિલિમીટર તથા સમય સંબંધી રિઝોલ્યૂશન લગભગ 100 મિલિસેકન્ડ છે. એજ પ્રમાણે MEG ટેકનિકનું સમય સંબંધી રિઝોલ્યૂશન લગભગ 1 મિલિસેકન્ડ છે. માટે આ ટેકનિક આપણને 1 સેન્ટીમીટરથી નાનુ ક્ષેત્ર નથી બતાવી શકતી. તો આ બંન્ને ટેકનિકો વડે આપણે ન્યૂરોન્સના સમૂહને તો જોઇ શકીએ છીએ પરંતુ સ્વતંત્ર ન્યૂરોનની અંદર ચાલી રહેલ ગતિવિધિઓને જોવું શક્ય નથી.
-
હવે તમે વિચારતા હશો કે જ્યારે આપણે અણુ-પરમાણુઓની દુનિયામાં ડોકિયુ કરવા સક્ષમ છીએ તો આકારમાં અણુઓથી કરોડો ગણા મોટા ન્યૂરોન્સને જોવામાં શું તકલીફ છે? વેલ, નિસંદેહ આપણે ન્યૂરોન્સને જોવામાં સક્ષમ છીએ પરંતુ તેમાં એક સમસ્યા છે. તે એ કે જોવાની પ્રક્રિયા દરમિયાન ન્યૂરોન્સ નષ્ટ થઇ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આપણે કોઇપણ મગજને નષ્ટ કરીને જ તેનું વિસ્તૃત માનસચિત્ર બનાવી શકીએ છીએ. જો આપણે ચેતન મગજને અપલોડ કરવું હોય તો તેના માટેની શરત છે કે....મગજ જીવિત હોવું જોઇએ, ના કે કોમામાં અથવા બેહોશીમાં. હવે પ્રશ્ન એ ઉઠે છે કે આ પ્રયોગ માટે બલિનો બકરો કોને બનાવવો? સ્વાભાવિક છે કે માણસ ઉપર તો આ પ્રયોગ શક્ય નથી. માટે માખી, ઉંદર જેવા જીવો ઉપર પ્રયોગો કરી વૈજ્ઞાનિકો પોતાના જ્ઞાનની સીમા વિસ્તારી રહ્યાં છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીની મદદ વડે વૈજ્ઞાનિકોએ આ જીવોના વિસ્તૃત માનસચિત્ર તૈયાર કર્યાં છે જે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે.
-
તો શું ફિલહાલ એવો કોઇ રસ્તો ખરો જેનાથી મગજના માનસચિત્રની સમસ્યાનો હલ નીકળી શકે? એક રસ્તો છે જેમાં માનસચિત્રની જરૂર જ નહીં રહે. બ્રેન અપલોડિંગની આ વિધિને Human Connectom પ્રોજેક્ટ કહે છે. આની કાર્યપધ્ધતિ વિષે ઉંડાણમાં નથી જવું કેમકે પોષ્ટ લંબાઇ જશે. માટે જાતે થોડું રિસર્ચ કરી લેવું. આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે કુત્રિમ ન્યૂરોન્સ બનાવી લીધા છે અને તેમને મગજમાં કુદરતી ન્યૂરોન્સની જગ્યાએ ફીટ કરી સુચારુરૂપે કાર્ય કરતા પણ કરી દીધા છે. ટૂંકમાં તમારા મગજના એક એક ન્યૂરોન્સને સિન્થેટિક ન્યૂરોન વડે એક પછી એક એમ કરી રિપ્લેસ કરવામાં આવશે. આ આખી પ્રક્રિયા દરમિયાન તમારૂ મગજ સુચારુરૂપે કાર્ય કરતું રહેશે. જ્યારે સૌથી છેલ્લા ન્યૂરોનને રિપ્લેસ કરાશે ત્યારે તમે જોશો કે તમારી ચેતના એક રોબોટની અંદર પહોંચી ગઇ છે. જો આ શક્ય થઇ ગયું તો આ સ્થિતિમાં બે ગંભીર પ્રશ્નો ઉદભવશે.
-
પ્રથમ પ્રશ્ન જે સામાન્યરીતે ધાર્મિકો દ્વારા ઉઠાવવામાં આવે છે કે....રોબોટમાં આત્મા ક્યાંથી આવશે? આપણે જાણીએ છીએ કે આ પ્રશ્ન જ ગેરજરૂરી છે. માટે તેની ચર્ચા અર્થહીન છે. પણ....જો આપણે મશીનની અંદર માનવીય ચેતનાને ઉત્પન્ન કરવા સક્ષમ થઇ ગયા તો તેનો એક જ નિષ્કર્ષ નીકળે છે કે આત્મા નામની કોઇ ચીજ જ નથી હોતી. આપણી ચેતના સ્પેસ-ટાઇમમાં વ્યક્ત એક મેથેમેટિકલ પેટર્ન છે જેને પદાર્થના સંયોજન વડે ગમે ત્યાં ઉત્પન્ન કરી શકાય છે. બીજો પ્રશ્ન....શું ગેરંટી છે કે રોબોટમાં ઉત્પન્ન થયેલ ચેતના તમારી જ છે? શું ગેરંટી છે કે રોબોટ એક મનુષ્યની જેમ જીવિત અને વિચારવા-સમજવા-સ્વબોધથી યુક્ત છે? જોવા જઇએ તો આ પ્રશ્નનો જવાબ થોડો દાર્શનિક છે.
-
એનેસ્થેસિયાના પ્રભાવમાં એવું ક્યારેય નથી થતું કે તમારૂં મગજ મૃત થઇ જાય અથવા કાર્ય કરવાનું બંધ કરી દે. છતાં દવાના સેવનથી તમે બેહોશ અવશ્ય થઇ જાઓ છો. જેનું કારણ ફક્ત એટલું જ છે કે બેહોશીની દવા દરમિયાન તમારૂં નિયો-કોર્ટેક્સ શિથિલ રહે છે. સરળ શબ્દોમાં તમે સંસારનો ચેતન અનુભવ કરવામાં અને યાદો(memory) ના નિર્માણમાં અસક્ષમ રહો છો. જો હું કોઇ વૈજ્ઞાનિક ટેકનિક વડે એક-એક કરીને તમારી સઘળી યાદો અને અનુભવને નષ્ટ કરતો જાવ તો અંતે શું "તમે"...."તમે" રહેશો? યાદો જ આપણી પહેચાનનો મુખ્ય આધાર હોય છે. અગર તમારી ચેતના ટ્રાન્સફર થયા બાદ ઉભો થયેલ રોબોટ તમારી યાદોથી યુક્ત છે તો આપણે માનવું પડે કે રોબોટની અંદર બીજું કોઇ નહીં, તમે જ મૌજૂદ છો.
-
તમારી પાસે એ સાબિત કરવાનો કયો રસ્તો છે કે તમારી આસપાસ મૌજૂદ સઘળા લોકો ચેતન છે? શું ગેરંટી છે કે તેઓ પણ જગતને એજ સ્વરૂપે અનુભવે છે, જે સ્વરૂપે આપ અનુભવો છો? થોડા ઉદાહરણો થકી આખી વાત સમજીએ.....
-
Alien Hand Syndrome થી પીડિત મનુષ્યોને લાગે છે કે તેમનો પોતાનો હાથ તેમના વશમાં નથી તેમજ કોઇ ભિન્ન ચેતના તેમના હાથને સંચાલિત કરી રહી છે. કેટલાક કિસ્સાઓમાં આવા લોકો પોતાનું ગળુ ખુદ દબાવવાની કોશિશો કરી ચૂક્યા છે. તેમજ આ બીમારીને "ખરાબ આત્માઓનો પ્રકોપ" માની ભુવાઓ પાસે ચક્કર લગાવતા પણ જોયા છે. હકિકતે આનું અસલ કારણ મગજના ફ્રંટલ લોબમાં ઇજા અથવા કોર્પસ કોલોસમનું ક્ષતિગ્રસ્ત થવું છે. Capgras Syndrome થી પીડિત લોકોને લાગે છે કે પ્રેતાત્માઓએ એમના સઘળા સગા-સબંધીઓની જગ્યા લઇ લીધી છે અને તેમની આસપાસ મૌજૂદ સઘળા લોકો ચહેરો બદલી ચૂકેલ ભૂતપ્રેત છે. Charles Bonnet Syndrome થી પીડિત લોકો પોતાના જ પ્રતિરૂપને સિગારેટ ફૂંકતા જુએ છે. આજ પ્રમાણે Fusiferm Gyrus માં ડિસઓર્ડર થવાથી મનુષ્ય વિકૃત ચહેરાઓને જુએ છે. આવા ઉદાહરણો અઢળક છે અને એ શોધાઇ ચૂક્યું છે કે આ પ્રમાણેના અનુભવો મગજના કયા હિસ્સાઓમાં ગરબડના કારણે ઉત્પન્ન થાય છે. તો શું આ લોકો ચેતન નથી? બિલકુલ ચેતન છે પરંતુ પોતાને અને સંસારને લઇને તેમના અનુભવ અન્યોથી ભિન્ન છે.
-
કહેવાનું તાત્પર્ય એટલુંજ છે કે "વ્યક્તિગત ચેતના" એક સાપેક્ષિક અનુભવ છે. સંસારને લઇને આપણાં બધાની અનુભૂતિ અલગ હોય છે. આપણી પાસે એ જાણવાનો કોઇ રસ્તો નથી કે આસપાસ મૌજૂદ લોકો આપણાં સમાન જ ચેતન છે કે નહીં. આપણે એ પણ નથી જાણતા કે ચેતનાને અપલોડ કરાયા બાદ ઉભો થયેલ રોબોટ ખરેખર ચેતન હશે કે નહીં. આપણે ફક્ત એટલું કરી શકીએ કે અગર રોબોટ ઉદાસીની પળોમાં આપણને સહાનુભૂતિ આપે, ખુશીની પળોમાં હસી શકે તેમજ માનવીય વૃત્તિ પ્રતિ સંવેદનશીલતા બતાવે, તો વિશ્વાસ કરવા સિવાય બીજો કોઇ રસ્તો નથી કે રોબોટ ચેતનાથી યુક્ત છે.
-
વર્ષ 2014 માં વૈજ્ઞાનિકોએ Sea Elegans નામક એક ગોળકૃમિ(જંતુ) ના મગજમાં મૌજૂદ 302 ન્યૂરોન્સ તથા તેના કનેક્શનને કોપી કરી એક રોબોટમાં અપલોડ કરી નાંખ્યા હતાં. સાથેસાથે રોબોટના સેન્સર્સને સંબંધિત ન્યૂરોન્સ સાથે જોડી દીધા હતાં. આપને જાણીને નવાઇ લાગશે કે વગર કોઇ કમાન્ડે આ રોબોટ "પોતાની ઇચ્છાથી" વિચરણ કરી શકતો હતો. દિવાલ સાથે અથડાઇને પોતે જ પાછળ હટી બીજી દિશામાં ચાલવા લાગતો હતો. વૈજ્ઞાનિકોની ભાષામાં કહીએ તો આ રોબોટ સંપૂર્ણપણે સી. એલિગન્સની જેમ વ્યવ્હાર કરી રહ્યો હતો. આ જંતુ-રોબોટનો વીડિઓ તમે યુટ્યુબ ઉપર જોઇ શકો છો.
-
તો શું આનો અર્થ એવો થાય કે સી. એલિગન્સ નામક આ જીવ ભલે દેહ ત્યાગી ચૂક્યો છે પરંતુ તેની ચેતના રોબોટની અંદર મૌજૂદ છે? જો તમે આ વાતે સહમત ન હોવ તો, આ તથ્યને કઇરીતે પરિભાષિત કરશો કે કોઇ પ્રોગ્રામિંગ કે કમાન્ડ વિના એક મશીન પોતાના માટે નિર્ણય લેવામાં સમર્થ થઇ શકે છે? આખરે એ શું છે જે એક ધાતુની મશીનને હલન-ચલન માટે પ્રેરિત કરી રહી છે? આ પ્રકારના પ્રયોગો જેટલાં રોમાંચિત છે, તેટલાજ મનને વિચલિત કરનારા પણ છે.
-
ભલે આપણી સદીઓ જુની માન્યતાઓ, ધાર્મિક વિશ્વાસ તથા આસ્થાઓ દાવ ઉપર લાગી હો પરંતુ આપણે એક યુગાંતરી બદલાવ માટે ખુદને તૈયાર રાખવું પડશે. માનવીય ચેતનાથી જોડાયેલ આ સઘળા પ્રોજેક્ટ્સની વર્તમાન અડચણો ફક્ત અને ફક્ત engineering સમસ્યા પ્રતીત થાય છે, જેનો હલ સમય સાથે અવશ્ય શોધાય જશે. નેનો ટેકનિકની પ્રગતિ સાથે આપણે ભવિષ્યમાં રક્તકણોના આકારના નેનો રોબોટ્સને રક્તના સહારે શરીરમાં મોકલી મગજના આંતરિક ભાગોના વિસ્તૃત માનચિત્ર બનાવવામાં સફળ હોઇશું. આજે વિશ્વના બુદ્ધિમાન મગજોની ફૌજ માનવને ડિજીટલરૂપે અમર કરવાના મહત્વકાંક્ષી અભિયાનોમાં દિવસ-રાત જોડાયેલ છે. એમણે એ વર્ષનું આંકલન પણ કરી નાંખ્યું છે જ્યારે આપણે કમ્પ્યુટરની અંદર જૈવિક મનુષ્યોથી લાખો ગણી શક્તિશાળી ચેતના ઉત્પન્ન કરવામાં સક્ષમ થઇ જઇશું અને એ વર્ષ હશે.....2045!!!
-
અર્થાત, વર્તમાન પ્રગતિના આધારે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે વર્ષ 2045 સુધી તેઓ ચેતનાને રોબોટની ભીતર અપલોડ કરી નાંખશે. માટેજ 2045 ના વર્ષને Digital Singularity નો યુગ કહેવાય છે. હવે તમને પસંદ પડે કે ન પડે પરંતુ Digital Singularity નો યુગ ન કેવળ અનિવાર્ય છે બલ્કે ઘણો નજીકમાં પણ છે. આ નવા યુગ બાદની દુનિયા બેહદ દિલચશ્પ હશે એ નક્કી...
(મિત્ર વિજય દ્વારા)
No comments:
Post a Comment