આપણે વૃધ્ધ શા માટે થઇએ છીએ? શું કોઇ એવો ઉપાય હોય શકે કે આપણે ચિરયુવા રહી શકીએ?? આપણી કોષિકામાં 46 ક્રોમોઝોમ(રંગસૂત્રો) હોય છે. ક્રોમોઝોમની સંરચનાના બંન્ને છેડે એક મૃત નોન કોડિંગ ડીએનએ ની કેપ લાગેલ હોય છે. જેને ટેલોમીયર કહે છે. આ ટેલોમીયર આપણાં ડીએનએની રક્ષા કવચના રૂપમાં કાર્ય કરે છે. હર નવી કોષિકાના નિર્માણ બાદ ટેલોમીયર નામક આ સુરક્ષા કવચ નાના થતાં જાય છે અને અંતત: 40-60 વિભાજન બાદ ફાઇનલી તેઓ નષ્ટ પામે છે. જ્યારે આવું થાય છે ત્યારબાદ કોષિકાઓનું વિભાજન રોકાઇ જાય છે. જૂની કોષિકાઓ મરતી જાય છે, સામેછેડે નવી કોષિકાઓ જન્મી નથી શકતી. પરિણામ સ્વરૂપ આપણે વૃઘ્ધ થવા માંડીએ છીએ. આપણાં અંગો શિથિલ થવા માંડે છે. બીમારીઓ શરીરને પોતાનું ઘર બનાવવા માંડે છે અને અંતે એક દિવસ આપણે મૃત્યુ પામીએ છીએ. આ ટેલોમીયર આપણાં મૃત્યુની મુખ્ય ચાવી સમાન હોય છે. કાચબાઓમાં આ ટેલોમીયર આપણી તુલનાએ ઘણાં લાંબા હોય છે. જેના કારણે તેઓની કોષિકાઓ 100 થી વધુ વખત વિભાજીત થઇ શકે છે અને તેઓ 200 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવવામાં સક્ષમ છે. એજ પ્રમાણે ઘણું ઓછું આયુષ્ય ધરાવતા ઉંદરોમાં આ ટેલોમીયર બેહદ નાના હોવાના કારણે તેઓની કોષિકાઓનું વિભાજન 10-15 વખત જ સંભવ છે.
-
તો શું આ ટેલોમીયરની લંબાઇ વધારી આપણે વધુ આયુષ્ય ભોગવી શકીએ? જી હાં, આપણી કોષિકાઓમાં "ટેલોમીરેઝ" નામક એક પ્રોટીન સુષુપ્તાવસ્થામાં મૌજૂદ હોય છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું છે કે ટેલોમીરેઝને જાગ્રત કરવાથી કોષિકાઓ વૃધ્ધ થયા વિના લાંબા સમય સુધી દ્વિગુણિત થવામાં સક્ષમ છે. તો પછી મનુષ્યો ઉપર આનો પ્રયોગ શા માટે નથી કરવામાં આવતો? વેલ, એટલા માટે કેમકે, જો એક ડગલું આપણે અમરતા તરફ આગળ વધીએ તો તેજ ડગલું આપણને સિક્કાની બીજી તરફ મૌજૂદ એક ભયાનક પરિબળના દર્શન કરાવે છે. જેનું નામ છે.....કેન્સર!!
-
આપણાં શરીરમાં લાખો કોષિકાઓ મૃત્યુ પામે છે અને પોતાની અંદર મૌજૂદ ડીએનએ ને કોપી અને ટ્રાન્સફર કરી નવી કોષિકાઓને જન્મ આપે છે. ડીએનએ કોપીની આ પ્રક્રિયામાં આપણી કોષિકાઓ સરેરાશ 120000 જેટલી ભૂલો પ્રતિ કોડિંગ કરે છે. કોષિકાઓના વિભાજન દરમિયાન ડીએનએ ને કોપી કરવામાં થયેલ ભૂલોને કારણે અથવા બાહરી કારણો જેવા કે.....સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઘાતક રસાયણો વગેરેથી આપણાં શરીરમાં પ્રતિ પળ કેટલીક દૂષિત કોષિકાઓ જન્મ લેતી રહેતી હોય છે. જો આપણું શરીર આ દૂષિત કોષિકાઓને ઠીક કરવામાં અસક્ષમ રહે તો 'auto correct mode' ઉપર ચાલવાવાળા આપણાં નર્વસ સિસ્ટમ દ્વારા તેમને આત્મહત્યાનો આદેશ આપવામાં આવે છે અને આ દૂષિત કોષિકાઓ ઝડપથી દ્વિગુણિત થઇ પોતાનો સઘળો ટેલોમીયર ખતમ કરી મરી જાય છે. પરંતુ કેટલીક હઠીલી કોષિકાઓ આત્મહત્યાના આદેશને નજરઅંદાજ કરી આજ ટેલોમીરેઝ નામક પ્રોટીનને જાગ્રત કરી નાંખે છે. પરિણામસ્વરૂપ આ દૂષિત કોષિકાઓ એકરીતે અમર થઇ જાય છે અને ઝડપથી અન્ય કોષિકાઓને અડફેટે લઇ તેમને નષ્ટ કરતી-કરતી ખરાબ કોષિકાઓના એક મોટા જથ્થામાં પરિવર્તિત થતી જાય છે. આ અમર, દુષ્ટ અને સંહારક કોષિકાઓના સમૂહને જ વૈજ્ઞાનિક ભાષામાં કેન્સર કહેવાય છે.
-
તો વાતનો સાર કંઇક એવો છે કે.....જો આપણે આપણાં શરીરની કોષિકાઓને અમર કરી લઇએ અને એ સ્થિતિમાં અગર કોઇ કોષિકા દૂષિત થઇ જાય છે(કે જે ખુબજ સામાન્ય બાબત છે), તો તે અનિયંત્રિત થઇને વદ્ધિ કરતી રહેશે અને પૃથ્વી ઉપર મૌજૂદ હર વ્યક્તિ ઉપર કેન્સરની તલવાર લટકતી થઇ જશે.
(મિત્ર વિજય દ્વારા)
